પીએમ શ્રી સ્કૂલ હેઠળ નવોદય વિદ્યાલય સાપુતારાનું વાર્ષિક મેગેઝિન ‘સૃજન’ બન્યું ગૌરવનો વિષય
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પીએમ શ્રી સ્કુલ નવોદય વિદ્યાલય સાપુતારાના વાર્ષિક મેગેઝિન ‘સૃજન’નો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને મેગેઝિનનું વિમોચન કરી શાળાની શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય આર. પી. તિવારી સહિતના સંપાદક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ચાર મહિનાની મહેનત અને ત્રિભાષી સર્જનાત્મકતાનો સંગમ
‘સૃજન’ મેગેઝિન તૈયાર કરવાની પ્રક્રિયા પાછળ છેલ્લા ચાર મહિનાથી સઘન કામગીરી ચાલી રહી હતી. આ મેગેઝિનની વિશેષતા એ છે કે તેમાં વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાઓમાં પોતાના મૌલિક લેખો અને કવિતાઓ રજૂ કર્યા છે. ભાષા શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું આ મેગેઝિન વિદ્યાર્થીઓની સાહિત્યિક પ્રતિભાને ઉજાગર કરવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે.
વિદ્યાર્થીઓના કૌશલ્ય અને સિદ્ધિઓનું પ્રતિબિંબ
મેગેઝિન બહાર પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્ય અને સર્જનાત્મક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો છે. આ અંકમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ શિક્ષકોએ પણ પોતાના લેખો દ્વારા યોગદાન આપ્યું છે. ‘સૃજન’માં શાળાની શ્રેષ્ઠ પ્રથાઓ અને વર્ષ દરમિયાનની વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કલેક્ટર સુશ્રી શાલિની દુહાને આ અદ્ભુત પરિણામ બદલ સમગ્ર નવોદય પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
