મિશન મંગલમથી મળેલી શક્તિ, શ્રી ગણેશ સખી મંડળે આદિવાસી કલાને બનાવી આત્મનિર્ભરતાનો આધાર
“સશક્ત મહિલા એટલે સશક્ત સમાજ”ના વિચારને ડાંગ જિલ્લાના પિપલદહાડ ગામની ૩૨ વર્ષીય સુરેખાબેન કામડીએ સાર્થક કરી બતાવ્યો છે. MBA સુધીનો અભ્યાસ કરી પ્રોગ્રામ કોર્ડિનેટર તરીકે માસિક રૂ. ૩૦ હજારની નોકરી કરનાર સુરેખાબેને વર્ષ ૨૦૨૫માં સ્વરોજગારનો સાહસિક માર્ગ પસંદ કર્યો. આજે તેઓ પોતાની સર્જનાત્મકતા અને આદિવાસી સંસ્કૃતિને કેનવાસ પર ઉતારી આર્થિક સ્વાવલંબન મેળવી રહ્યા છે.
શ્રી ગણેશ સખી મંડળ: આદિવાસી કલા અને રોજગારીનો સંગમ
પોતાની કલાને વ્યવસાયિક રૂપ આપવા માટે સુરેખાબેને ગામની અન્ય ૧૦ બહેનોને સાથે જોડી ‘શ્રી ગણેશ સખી મંડળ’ની સ્થાપના કરી. આ મંડળમાં આદિવાસી જીવનશૈલી, પરંપરાગત વેશભૂષા અને પ્રકૃતિ પર આધારિત પેઇન્ટિંગ્સ બનાવવામાં આવે છે. મિશન મંગલમ યોજના અંતર્ગત મળેલા રૂ. ૧૫ હજારના રિવોલ્વિંગ ફંડની મદદથી આ બહેનોએ જરૂરી રંગો અને કેનવાસ જેવી સામગ્રી વસાવી પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે.
ડાંગ દરબારમાં આદિવાસી પેઇન્ટિંગ્સનું ધૂમ વેચાણ
હાલમાં આહવા ખાતે યોજાઈ રહેલા ડાંગ દરબારમાં આ સખી મંડળ દ્વારા ખાસ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. અહીં મુલાકાતીઓ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરતી પેઇન્ટિંગ્સ ખરીદવા માટે ભારે રસ દાખવી રહ્યા છે. સુરેખાબેન જણાવે છે કે નોકરીમાં નિશ્ચિત આવક હતી, પરંતુ પોતાની કળા અને સંસ્કૃતિના માધ્યમથી સ્વતંત્ર વ્યવસાય કરવામાં જે આત્મસંતોષ અને માન-સન્માન મળે છે તે અનમોલ છે.
