મલેશિયામાં રાજકીય ભૂકંપ: વડાપ્રધાન અનવર ઈબ્રાહિમનો દાવો – “ઈરાનનું સમર્થન કરવા બદલ મારી સરકાર તોડવાનું ષડયંત્ર”
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે હવે મલેશિયાના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે સંસદમાં સનસનીખેજ દાવો કર્યો છે કે તેમની સરકારને ઉથલાવી પાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અનવરના જણાવ્યા મુજબ, તેમણે ગાઝા અને ઈરાન પ્રત્યે જે કડક વલણ અપનાવ્યું છે, તેને કારણે વિદેશી શક્તિઓ અને ખાસ કરીને યહૂદી સંગઠનો તેમને નિશાન બનાવી રહ્યા છે.
બ્લૂમબર્ગ અને યહૂદી સંગઠનો પર ગંભીર આક્ષેપ
મંગળવારે (3 માર્ચ) મલેશિયાની સંસદમાં બોલતા અનવર ઈબ્રાહિમે જણાવ્યું હતું કે, એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા (બ્લૂમબર્ગ) અને એક યહૂદી સમૂહ સાથે મળીને મલેશિયા વિશે નકારાત્મક સમાચારો ફેલાવી રહ્યા છે. તેમનો હેતુ અમેરિકાનું ધ્યાન ખેંચવાનો અને મલેશિયામાં અસ્થિરતા ઊભી કરવાનો છે. વડાપ્રધાને આક્ષેપ કર્યો કે આ ષડયંત્રમાં દેશના કેટલાક વિપક્ષી નેતાઓ પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ આવું થવા દેશે નહીં અને આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
“શું ઈરાન અને ગાઝા પર બોલવું ગુનો છે?”
વડાપ્રધાન અનવરે મક્કમતાથી કહ્યું કે, “મેં ગાઝા અને ઈરાન પર કડક વલણ અપનાવ્યું તે પછી આ જૂથો સક્રિય થયા છે. શું ગાઝા અને ઈરાનના લોકોના હક માટે બોલવું ગુનો છે? હું તેમના પક્ષમાં બોલતો રહીશ.” તેમણે વિપક્ષની પણ આકરી ટીકા કરતા પ્રશ્ન કર્યો હતો કે શું વિપક્ષને સરકાર પાડવા માટે યહૂદી સંગઠનોનો જ સાથ મળ્યો છે? મલેશિયાની જનતા આવા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. ઉલ્લેખનીય છે કે, 2020 અને 2021માં પણ મલેશિયામાં સત્તા પલટાવવાના પ્રયાસો થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
મલેશિયાનું વસ્તી માળખું અને ઈરાન પ્રત્યેનું વલણ
મલેશિયા એક એશિયન મુસ્લિમ દેશ છે, જેની વસ્તીમાં વિવિધ સમુદાયોનો સમાવેશ થાય છે:
-
મુસ્લિમ: 63.5%
-
બૌદ્ધ: 18.7%
-
ખ્રિસ્તી: 9.1%
-
હિંદુ: 6.1%
ખાસ વાત એ છે કે, આયાતુલ્લા ખમેનીના નિધનની નિંદા કરનાર અને ઈરાનને ખુલ્લેઆમ ટેકો આપનાર મલેશિયા પ્રથમ દેશોમાંનો એક હતો. રસપ્રદ વાત એ છે કે મલેશિયામાં યહૂદીઓની વસ્તી નહિવત્ હોવા છતાં, વડાપ્રધાને સીધો આક્ષેપ યહૂદી જૂથો પર લગાવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

