હોળી પૂર્વે શિક્ષકોને વિશેષ ભેટ, જી.પી.એફ. નંબર ફાળવણી સાથે જૂની પેન્શન યોજનાનો અમલ
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ફરજ બજાવતા ૧૦૨૦ જેટલા પ્રાથમિક શિક્ષકો માટે હોળી-ધુળેટીના પર્વ પૂર્વે આનંદના સમાચાર આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ તમામ પાત્ર શિક્ષકોને નવી પેન્શન યોજના (NPS) માંથી જૂની પેન્શન યોજના (OPS) માં રૂપાંતરિત કરવાના મંજૂરી હુકમો એનાયત કરી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયથી શિક્ષક આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
GPF નંબરની ફાળવણી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ
જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા માત્ર હુકમો જ નહીં, પરંતુ વહીવટી પ્રક્રિયાને વેગ આપીને તમામ પાત્રતા ધરાવતા શિક્ષકોને જી.પી.એફ. (GPF) નંબર પણ ફાળવી દેવામાં આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ સ્પષ્ટ કર્યું હતું કે માર્ચ-૨૦૨૬ના પગાર બિલ (જે એપ્રિલમાં ચૂકવાશે) થી શિક્ષકોના પગારમાંથી NPS હેઠળ થતી કપાત કાયમી ધોરણે બંધ થશે અને તેને બદલે GPF બચત કપાત શરૂ કરવામાં આવશે.
તાલુકા કક્ષાએ અમલીકરણની જવાબદારી
આ ફેરફારના સુચારુ અમલીકરણ માટે જે-તે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સમયસર ડેટા અપડેશન અને પગાર બિલમાં ફેરફાર થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. વર્ષો જૂની માંગણી સંતોષાતા અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થતા શિક્ષકોએ આ નિર્ણયને વહીવટી તંત્ર તરફથી મળેલી ‘હોળીની વિશેષ ભેટ’ ગણાવી છે.
