ગાંધીનગર ખાતે ‘બાળ સુરક્ષા સેવા સંકલ્પ સંમેલન-૨૦૨૬’ સંપન્ન: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારનો સંકલ્પ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

બાળકોની સુરક્ષા માટે સરકારે લોન્ચ કરી ખાસ ‘બાળ મિત્ર’ એપ અને AI ગ્લાસીસ! 

ગુજરાતમાં બાળકોના સર્વાંગી વિકાસ, રક્ષણ અને કલ્યાણ માટે સરકાર સતત કટિબદ્ધ રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત ‘ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ ના ઉપક્રમે ગાંધીનગર ખાતે “સુરક્ષિત બાળક, સશક્ત સમાજ, સમૃદ્ધ રાષ્ટ્ર” ની ગરિમાપૂર્ણ નેમ સાથે ‘રાજ્ય કક્ષાનું બાળ સુરક્ષા સેવા સંકલ્પ સંમેલન-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલ ની વિશેષ ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ સંમેલન સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી બાળ સુરક્ષા ક્ષેત્રે કામ કરતા અગ્રણીઓ, અધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

GJ 1.jpg

બાળક સુરક્ષિત હશે તો જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનશે: મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકો માત્ર દેશનું આગામી ભવિષ્ય જ નથી, પરંતુ તેઓ આપણું વર્તમાન પણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રત્યેક બાળકનું સુરક્ષિત, ઉત્તમ રીતે શિક્ષિત અને સંસ્કારી હોવું અનિવાર્ય છે.

- Advertisement -

મંત્રીએ બાળપણને એક અત્યંત અમૂલ્ય સમય ગણાવતા ઉમેર્યું હતું કે, બાળ સુરક્ષા એ માત્ર કાયદાકીય દાયિત્વ નથી, પરંતુ તે સમાજ, શાળાઓ, પરિવાર અને સરકારની સંયુક્ત તેમજ નૈતિક જવાબદારી છે.

આજના ડિજિટલ યુગમાં બાળકોની સુરક્ષા અંગે વાત કરતા તેમણે સાયબર સુરક્ષા, ‘ગુડ ટચ-બેડ ટચ’ અંગેની સાચી સમજ અને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર – ૧૦૯૮ અંગે વ્યાપક જાગૃતિ કેળવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકો સાથે મિત્રતાભર્યો સંવાદ રાખે અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે, જેથી બાળકો સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યના દરેક બાળકને ભયમુક્ત, શોષણમુક્ત અને સમાન તકોથી સભર વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.

ડિજિટલ યુગના પડકારો અને પુસ્તક વાંચનનું વધતું મહત્વ: ડૉ. મનીષાબેન વકીલ

સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળ સુરક્ષા અને કલ્યાણકારી નીતિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬ની સુધારેલી ‘ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી’ નું અમલીકરણ બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં માઈલસ્ટોન સાબિત થશે.

- Advertisement -

વર્તમાન સમયમાં ટેક્નોલોજીના વધુ પડતા ઉપયોગથી ઊભા થયેલા પડકારો પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે:

  • શારીરિક અને માનસિક અસરો: સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગ અને સ્માર્ટફોનની લતને કારણે બાળકોમાં સ્થૂળતા (ઓબેસિટી), સાયબર બુલિંગ અને માનસિક તાણ જેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

  • વાચન સંસ્કૃતિનો વિકાસ: આધુનિક ગેજેટ્સની દુઃસંગતથી બાળકોને બચાવવા માટે ઘરો અને શાળાઓમાં પુસ્તક વાચનની ટેવ કેળવવી, લાઈબ્રેરીનો ઉપયોગ વધારવો અને વાલીઓએ સંતાનો સાથે ગુણવત્તાયુક્ત સમય (Quality Time) વિતાવવો ખૂબ જ જરૂરી છે.

GJ.jpg

આ ઉપરાંત, બાળ લગ્નની કુપ્રથા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બાળ લગ્નના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નાની વયે થતા લગ્નો દીકરીઓના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે અને કુપોષણ તથા માતા-બાળ મૃત્યુદરમાં વધારો કરે છે. આ કુપ્રથાને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે માત્ર કાયદાકીય કડકાઈ જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ અને ‘બાલિકા પંચાયત’ જેવા સાર્થક અભિગમો દ્વારા દીકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવવી અનિવાર્ય છે.

નવતર એપ્લિકેશન, વેબસાઇટ અને AI ગ્લાસીસનું લોન્ચિંગ

આ સંમેલન દરમિયાન બાળ કલ્યાણ અને અધિકારોની દિશામાં અનેક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ડૉ. ધર્મિષ્ઠાબેન ગજ્જરે સ્વાગત પ્રવચન આપ્યું હતું.

મંત્રીઓ અને મહાનુભાવોના હસ્તે નીચે મુજબની સેવાઓ અને સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું:

૧. ‘બાળ મિત્ર’ મોબાઇલ એપ્લિકેશન: બાળકોના અધિકારો અને સહાયતા માટેની નવી એપ.

૨. આયોગની નવી વેબસાઇટ: જાગૃતિ અને માહિતી માટેનું અપડેટેડ ડિજિટલ પ્લેટફોર્મ.

૩. બાળ અધિકાર માર્ગદર્શિકા: માર્ગદર્શન પૂરું પાડતું વિશેષ પુસ્તક વિમોચન.

૪. આધુનિક AI ગ્લાસીસનું વિતરણ: દ્રષ્ટિહીન અને વિઝન ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી AI ચશ્માનું વિતરણ.

બાળ પ્રતિભાઓ અને ‘બાળ મિત્રો’નું વિશેષ સન્માન

કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવો અને પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ‘પાલક માતા-પિતા યોજના’ ના લાભાર્થીઓ, રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાસલ કરનાર બાળ પ્રતિભાઓ તેમજ બાળ અધિકાર ક્ષેત્રે સમર્પિત ભાવે કામ કરનાર ‘બાળ મિત્રો’ ને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન (CCI) ના બાળકો દ્વારા જાતે તૈયાર કરવામાં આવેલી આકર્ષક હસ્તકલા અને સુંદર સર્જનાત્મક કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું, જેને ઉપસ્થિત મંત્રીઓ અને તમામ મહેમાનોએ ખુબ ખુબ બિરદાવ્યું હતું.

આ ભવ્ય સંમેલનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ હર્ષદકુમાર પટેલ, આયોગના સચિવ ડૉ. ડી. ડી. કાપડિયા, જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન હેડ રવિકાન્ત શર્મા, ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શનના નેશનલ સચિવ મનીષ શર્મા, સમાજ સુરક્ષા નિયામક ડૉ. રીના ચૌધરી, યુનિસેફ (UNICEF) ગુજરાતના હેડ અદ્વૈતા મરાઠે સહિત આયોગના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને સંકલ્પ સંમેલનને સફળ બનાવ્યું હતું.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.