નાગલીના રોટલા અને આદિવાસી સ્વાદથી બદલાયાં 100 પરિવારોના ભાગ્ય: વ્યારા જંગલનો આ નવો ચમત્કાર જોયો?
આજના સમયમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ માત્ર ઘરકામ કે ખેતમજૂરી પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેઓ પોતાની મહેનત અને સૂઝબૂઝથી સફળ ઉદ્યોગસાહસિક બની રહી છે. ગુજરાતના વ્યારા વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘વનશ્રી મોડેલ’ આ વાતનું સૌથી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પહેલ થકી આજે આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવાર અને સમગ્ર સમાજમાં નવો ઉજાસ ફેલાવી રહી છે.
સ્વાદ, સંસ્કૃતિ અને આજીવિકાનો અનોખો સંગમ
વ્યારાના જંગલો અને કુદરતી વાતાવરણ વચ્ચે શરૂ કરવામાં આવેલી આ પહેલ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ તે સ્વાદ, સંસ્કૃતિ અને આજીવિકાનો અનોખો સંગમ છે. વન પર્યટનને સ્થાનિક લોકોની રોજગારી સાથે જોડીને આ મોડેલ વિકસાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ચાર પ્રમુખ ‘વનશ્રી રેસ્ટોરાં’ સફળતાપૂર્વક કાર્યરત છે, જેનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર આજે રૂપિયા ૧ કરોડથી પણ વધુ છે. આ પહેલથી ૫૦થી વધુ સ્થાનિક મહિલાઓ સીધી રીતે જોડાયેલી છે, જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીના માધ્યમથી અંદાજે ૧૦૦ જેટલા પરિવારોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે.

મજૂરીથી લઈને ‘બિઝનેસ લીડર’ બનવા સુધીની સફર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ વન મંત્રી અને રાજ્ય વન મંત્રીના નેતૃત્વમાં આ પ્રોજેક્ટને જમીની સ્તરે અદ્ભુત સફળતા મળી છે. સુરત વન વર્તુળનાં વન સંરક્ષક પુનિત નૈય્યર (IFS) જણાવે છે કે આ રેસ્ટોરન્ટોમાં મુલાકાતીઓને નાગલીના રોટલા, પરંપરાગત કઠોળ અને નાગલીના લાડુ જેવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આદિવાસી વાનગીઓ પીરસવામાં આવે છે.
વ્યારા વન વિભાગનાં નાયબ વનસંરક્ષક સચિન ગુપ્તા (IFS) ઉમેરે છે કે, આ મોડેલ માત્ર રોજગારી આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ અહીં મહિલાઓને બિઝનેસ લીડર બનવાની વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે. જે મહિલાઓ ભૂતકાળમાં માત્ર મજૂરી કરવા મજબૂર હતી, તે આજે સ્વતંત્રપણે પોતાના વ્યવસાયનું સંચાલન કરી રહી છે. આ પરિવર્તને તેમને આત્મસન્માન, આર્થિક સ્થિરતા અને પોતાના નિર્ણયો જાતે લેવાની શક્તિ આપી છે.
ચાર ‘વનશ્રી રેસ્ટોરન્ટો’ અને તેમની પ્રેરણાદાયી સફર
આ મોડેલ હેઠળ ચાર અલગ-અલગ સ્થળોએ રેસ્ટોરન્ટો ધમધમી રહી છે, જેનું સંચાલન સ્થાનિક સખી મંડળો કરે છે:
૧. વ્યારા વનશ્રી (કરંજવેલ ગામ): ‘હેતવી સખી મંડળ’ દ્વારા સંચાલિત આ કેન્દ્ર સૌથી મોટું છે, જ્યાં સેંકડો મુલાકાતીઓ પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણે છે. આ કેન્દ્રનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂપિયા ૫૩ લાખ છે. અહીંના સભ્ય જણાવે છે કે અગાઉ કોઈ નિશ્ચિત આવક નહોતી, પરંતુ આજે તેઓ ખુદ રેસ્ટોરન્ટ ચલાવીને અન્ય કર્મચારીઓને પગાર આપે છે.
૨. વનશ્રી (સોનગઢ): ચીકલદા ગામના ‘આદર્શ મહિલા મંડળ’ દ્વારા સુનિતાબેન ગામિત અને ૧૫ મહિલાઓની ટીમ દ્વારા શરૂ થયેલું આ કેન્દ્ર અર્ધ-શહેરી વિસ્તારમાં સામૂહિક સાહસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૩૦ લાખ છે.
૩. વનશ્રી (પદમડુંગરી): ચુનાવાડીના ‘સાઈ સખી મંડળ’ દ્વારા સંચાલિત આ કેન્દ્ર ઇકો-ટૂરિસ્ટ્સ અને પ્રકૃતિપ્રેમીઓમાં ખૂબ લોકપ્રિય છે. જંગલના કુદરતી વાતાવરણમાં ભોજનનો આનંદ આપતું આ કેન્દ્ર વાર્ષિક રૂપિયા ૧૦ લાખ જેટલો કારોબાર કરે છે.
૪. વનશ્રી (આંબાપાણી): ‘પ્રગતિ સખી મંડળ’ દ્વારા સંચાલિત આ કેન્દ્ર દૂરના જંગલ વિસ્તારમાં સ્થાનિક ખેત-પેદાશો અને ગ્રાહકોને જોડીને અનોખી ફૂડ ઇકોનોમી બનાવી રહ્યું છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૮ લાખ છે.
પરિવારો અને બાળકોના ભવિષ્યમાં સકારાત્મક બદલાવ
આર્થિક સધ્ધરતા આવવાથી આદિવાસી પરિવારોના જીવનમાં મૂળભૂત ફેરફારો આવ્યા છે. હવે માતા-પિતા પોતાના બાળકોને સારી પ્રાથમિક શાળાઓ ઉપરાંત ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે. તબીબી કટોકટી કે બિમારીના સમયે હવે કોઈની આગળ હાથ લાંબો કરવો પડતો નથી, સમયસર શ્રેષ્ઠ સારવાર મેળવવી શક્ય બની છે.
આ ‘વનશ્રી મોડેલ’ એ સાબિત કરી દીધું છે કે જો ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને યોગ્ય તક, માર્ગદર્શન અને બજાર પૂરું પાડવામાં આવે, તો તેઓ પોતાના પરિવારની સ્થિતિ સુધારવાની સાથે સાથે સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપી શકે છે.
