ભીલડી ખાતે રૂ. ૩૨૫ કરોડના ‘ભારત બોવાઇન બ્રીડિંગ સેન્ટર’નું લોકાર્પણ: શ્વેત ક્રાંતિમાં નવો ઇતિહાસ રચાશે

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

હવે એક જ ગાય આપશે અનેક વાછરડાં! પશુપાલકોની કિસ્મત બદલી નાખશે બનાસ ડેરીનો આ શાનદાર પ્રોજેક્ટ!

ભારતની શ્વેત ક્રાંતિ અને ડેરી ઉદ્યોગમાં બનાસ ડેરીએ હંમેશાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. હવે આ જ શ્રૃખલામાં વધુ એક ગૌરવવંતુ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ ભવ્ય આયોજનમાં સૌથી મુખ્ય આકર્ષણ ૧૨૭ એકર વિસ્તારમાં પથરાયેલું રૂ. ૩૨૫ કરોડનું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) છે, જે દેશભરના પશુપાલકો માટે એક નવો રોલ મોડલ સાબિત થવા જઈ રહ્યો છે.

- Advertisement -

WhatsApp Image 2026 10 27 at 3.06.12 PM 1.jpeg

રાષ્ટ્રીય ગોકુળ મિશન અને ટેકનિકલ માર્ગદર્શનનું પરિણામ

કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ ની સહાય અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના નિષ્ણાત ટેકનિકલ માર્ગદર્શન હેઠળ આ ભવ્ય રિસર્ચ સેન્ટર આકાર પામ્યું છે. આ અંગે માહિતી આપતા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્ર પશુપાલન ક્ષેત્રે આધુનિક વિજ્ઞાનનો નવો અધ્યાય લખશે અને દેશી ગૌવંશ સંવર્ધનમાં વૈશ્વિક સ્તરે ભારતને એક નવી દિશા ચીંધશે.

- Advertisement -

આજના સમયમાં જ્યારે પશુપાલકો સામે ઘાસચારાની અછત અને વધતો ખર્ચ એક પડકાર બન્યા છે, ત્યારે આ કેન્દ્રનો મુખ્ય મંત્ર ‘ઓછાં પશુ, વધુ દૂધ અને વધુ ગુણવત્તા’ મેળવવાનો છે.

આધુનિક OPU-IVF ટેકનોલોજીનો ચમત્કાર: દર વર્ષે ૨૫ હજાર વાછરડાં

સામાન્ય રીતે પ્રકૃતિના નિયમ મુજબ ઉત્તમ ઓલાદની સારી ગાય આખા વર્ષ દરમિયાન માત્ર એક જ વાછરડું આપતી હોય છે. પરંતુ ભીલડીના આ બ્રીડિંગ સેન્ટરમાં પશુઓ માટે ટેસ્ટટ્યૂબ બેબી જેવી અત્યાધુનિક પ્રજનન પદ્ધતિઓ (OPU-IVF) અને ગર્ભ પ્રત્યારોપણ જેવી વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે.

આ ટેકનોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ નસ્લની ગાયમાંથી વર્ષમાં અનેક ઉત્તમ ગર્ભ અને વાછરડાં મેળવી શકાશે. આ કેન્દ્રમાં દર વર્ષે ૨૫,૦૦૦ ઉત્તમ ગર્ભ તૈયાર કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આના પરિણામે આવનારી દરેક નવી પશુ પેઢી અગાઉની સરખામણીમાં વધુ દૂધ ઉત્પાદન કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવતી બનશે.

- Advertisement -

દેશી ગૌવંશ અને ભેંસોની ઓલાદોનું થશે સર્વાંગી સંવર્ધન

બનાસની આ પુણ્ય ધરા પરથી દેશભરની ઉત્તમ ગાયો અને ભેંસોની જાતો સુધારવાનું ભગીરથ કાર્ય શરૂ થશે. આ કેન્દ્રમાં ખાસ કરીને નીચે મુજબની પ્રખ્યાત અને ગુણવત્તાસભર ઓલાદો પર વિશેષ સંશોધન અને સંવર્ધન હાથ ધરાશે:

  • દેશી ગાયોની ઓલાદો: કાંકરેજ, ગીર, સાહીવાલ અને થારપારકર.

  • ઉત્તમ ભેંસોની ઓલાદો: મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ.

આ દેશી ગાયો અને ભેંસો ગરમી સામે ટકી રહેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે અને ઓછા ખોરાકમાં પણ પૂરતું દૂધ આપે છે. ભીલડી કેન્દ્રમાં તૈયાર થયેલા રોગમુક્ત અને ઉત્તમ ઓલાદના સાંઢ, ઉચ્ચ ગુણવત્તાવાળું સીમેન (Semen) તથા સસ્તા દરે ગર્ભ પશુપાલકોના ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

WhatsApp Image 2026 10 27 at 3.06.18 PM.jpeg

ગ્રામીણ મહિલાઓ અને નાના પશુપાલકોનું આર્થિક સશક્તીકરણ

આ યોજનાનો સૌથી મોટો ફાયદો ગામડાંના સીમાડાના નાના પશુપાલકો અને ખાસ કરીને ગ્રામીણ બહેનોને મળશે. ડેરી વ્યવસાયમાં ૭૦ ટકાથી વધુ યોગદાન આપતી આપણી બહેનો માટે આ કેન્દ્ર વરદાનરૂપ સાબિત થશે.

જ્યારે પશુઓની નસ્લ સુધરશે ત્યારે પ્રત્યેક પશુ દૈનિક ધોરણે વધુ દૂધ આપશે. દૂધમાં ફેટનું પ્રમાણ પણ વધશે. આનાથી પશુપાલન માત્ર ગુજરાન ચલાવવાનું કે અછત પૂરતું મર્યાદિત સાધન નહીં રહે, પરંતુ તે વધુ નફો રળતો એક સક્ષમ વ્યવસાય બની જશે. પશુપાલકોનો દૂધ ઉત્પાદનનો ખર્ચ ઘટશે અને ઘરઆંગણે જ નિયમિત આવક શરૂ થવાથી આર્થિક ખુશાલી આવશે.

સ્થળાંતરને બ્રેક અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પના

પહેલાના સમયમાં પશુપાલકોને ઉત્તમ પશુધન મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને ઘણીવાર યોગ્ય માર્ગદર્શનના અભાવે નુકસાન પણ વેઠવું પડતું હતું. પરંતુ હવે બનાસ ડેરીના આ અદ્યતન પ્રયાસથી પશુપાલકોને પોતાના જ વિસ્તારમાં વૈજ્ઞાનિક માર્ગદર્શન અને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહેશે.

ખેડૂતોની પોતાની સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકોનું ઉત્તમ માર્ગદર્શન અને સરકારની સહકારની ભાવના આ ત્રણેયનો ત્રિવેણી સંગમ સમગ્ર દેશ માટે એક અનુકરણ ઉદાહરણ પૂરું પાડે છે. ભીલડીની ધરતી પરથી શરૂ થનારી આ ક્રાંતિકારી પહેલ ભારતના ડેરી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે અને આપણા પશુપાલકોને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.