હોળીના પર્વે આદિવાસી સંસ્કૃતિનો અદભૂત નજારો, ભંગોરિયા હાટમાં પરંપરા અને એકતાનું અનોખું દર્શન
આદિવાસી સંસ્કૃતિના હૃદય સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વ નિમિત્તે પરંપરાગત ‘ભંગોરિયાનો મેળો’ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આદિવાસી સમાજમાં દિવાળી કરતા પણ હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે, જેની સાક્ષી પૂરતો આ મેળો આજે લોકજીવનના રંગોથી છલકાઈ ઉઠ્યો હતો. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ પોતે પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી, રામઢોલ વગાડીને સ્થાનિક નૃત્ય મંડળીઓ સાથે ઝૂમીને સંસ્કૃતિ પ્રત્યેનું પોતાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
૧૦૯ વર્ષ જૂની ભવ્ય પરંપરા અને જનમેદનીનો મહેરામણ
છોટાઉદેપુરમાં અંદાજે ૧૦૯ વર્ષથી ભંગોરિયાનો મેળો ભરાવાની અતૂટ પરંપરા છે. આધુનિક યુગમાં પણ અંતરિયાળ ગામોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો પોતાની પરંપરાને જીવંત રાખવા ઉમટી પડ્યા હતા. શનિવારના રોજ યોજાયેલા આ ભંગોરિયા હાટમાં આસપાસના ગામોમાંથી આવેલી વિવિધ નૃત્ય મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક જ પ્રકારના પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાં સજીને આવેલા પુરુષો અને મહિલાઓએ આદિવાસી એકતાની ભવ્ય ઝાંખી કરાવી હતી.
રામઢોલ અને ત્રાંસાના નાદ સાથે લોકનૃત્યોની જમાવટ
મેળાના માહોલમાં જ્યારે રામઢોલ અને ત્રાંસાનો ગુંજારવ શરૂ થયો ત્યારે સમગ્ર નગર નૃત્યમય બની ગયું હતું. સાંસદશ્રીએ માદળ અને રામઢોલના તાલે સ્થાનિકો સાથે મળીને પગલાં પાડીને આદિવાસી કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિવિધ ગામોની ટુકડીઓના રામઢોલના નાદથી ગુંજી ઉઠેલા વાતાવરણમાં શ્રદ્ધા, પરંપરા અને આનંદનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આમ, છોટાઉદેપુરમાં ભંગોરિયાની આ ઉજવણી આદિવાસી સંસ્કૃતિના અસ્તિત્વ અને ઓળખને વધુ મજબૂત બનાવતી સાબિત થઈ છે.
