દહેગામની મહિલાઓએ શરૂ કર્યો નેચરલ કલર ઉદ્યોગ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સુજાના મુવાડા ગામની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે દ્રઢ સંકલ્પ અને સરકારી સહાય હોય તો નિરક્ષરતા ક્યારેય આડખીલી બનતી નથી. જે બહેનો ક્યારેય શાળાએ નથી ગઈ અને માત્ર ખેત મજૂરી પર નિર્ભર હતી, તેઓ આજે ‘મિશન મંગલમ’ યોજનાના પ્રતાપે કુદરતી ગુલાલ બનાવીને આત્મનિર્ભર બની છે.
મિશન મંગલમ અને NRLM થકી આર્થિક આઝાદી
નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) હેઠળ રચાયેલા ‘દિપોમા મિશન મંગલમ’ સખી મંડળની ૧૦ બહેનોએ અમરબેન નરસિંહભાઈ ઠાકોરના નેતૃત્વમાં નવો રાહ ચીંધ્યો છે. સરકાર દ્વારા આ બહેનોને હોળીના તહેવાર માટે નેચરલ ગુલાલ બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી, જે તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આજે આ બહેનો મજૂર મટીને સફળ ઉદ્યોગસાહસિક બની છે.
કુદરતી સામગ્રીમાંથી રંગોનું સર્જન
આ બહેનો કેમિકલયુક્ત હાનિકારક રંગોના સ્થાને સંપૂર્ણ સુરક્ષિત અને કુદરતી ગુલાલ તૈયાર કરે છે. તેની બનાવટમાં વપરાતી સામગ્રી નીચે મુજબ છે:
-
પીળો રંગ: હળદર અને મકાઈનો લોટ.
-
લીલો રંગ: પાલક જેવી લીલી ભાજીનો અર્ક.
-
લાલ, ગુલાબી અને કેસરી: બીટ, કેસુડા અને ગલગોટાના ફૂલો.
માર્કેટિંગ સપોર્ટ અને વધતી માંગ
અમરબેન જણાવે છે કે સરકાર તેમને માત્ર તાલીમ જ નહીં, પણ માર્કેટિંગ માટે ‘સખી મેળા’ અને ‘સ્વદેશી મેળા’માં વિનામૂલ્યે સ્ટોલ પણ પૂરા પાડે છે. ‘સ્વદેશી અભિયાન’ના કારણે હવે આ કુદરતી ગુલાલની માંગ માત્ર હોળી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ધાર્મિક પ્રસંગો અને વરઘોડા માટે પણ મોટા ઓર્ડર મળી રહ્યા છે.
સુજાના મુવાડાની આ બહેનોની સફળતા એ વાતનું પ્રતીક છે કે યોગ્ય પ્રોત્સાહન મળે તો ગ્રામીણ મહિલાઓ પણ વૈશ્વિક સ્તરના પર્યાવરણલક્ષી અભિગમમાં પોતાનું મોટું યોગદાન આપી શકે છે. આજે આ બહેનો આર્થિક રીતે સક્ષમ બનીને પોતાના પરિવારને મજબૂત ટેકો પૂરો પાડી રહી છે.

