પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક ફિનિશિંગનો સમન્વય, વાંસની કલાકૃતિઓને મળી શહેરીજનોની ભારે લોકચાહના
ગાંધીનગરના આંગણે યોજાયેલા ‘વસંતોત્સવ’માં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કલાકાર વજીરભાઈ કોટવાળીયાની વાંસની કલાકૃતિઓએ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા છે. વાંસના સાદા ટુકડાઓને કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં ફેરવી નાખતી વજીરભાઈની આંગળીઓના જાદુએ આધુનિક ફિનિશિંગ અને પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનો અદભૂત સમન્વય રજૂ કર્યો છે.
વાંસની પટ્ટીઓ પર કંડારાયેલા અદભૂત પોટ્રેટ અને કલાકૃતિઓ
વજીરભાઈ અને તેમનો પરિવાર વાંસની વોલ ફ્રેમ્સમાં ભગવાન ગણેશ, લક્ષ્મીજી, ગૌતમ બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોના પોટ્રેટ અત્યંત બારીકાઈથી કંડારે છે. આ ઉપરાંત, તેમના દ્વારા તૈયાર કરાયેલા આધુનિક વાંસના લેમ્પ શેડ્સ, ફૂલદાની, પક્ષીઓના કલાત્મક માળા અને આરામદાયક ખુરશીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમની કલાની વિશેષતા એ છે કે તેઓ વાંસની પાતળી પટ્ટીઓ પર કોતરણી કરીને એફિલ ટાવર જેવી વૈશ્વિક પ્રતિકૃતિઓ પણ બનાવી શકે છે.
વસંતોત્સવમાં અપ્રતિમ પ્રતિસાદ અને બે વખત ખાલી થયો સ્ટોલ
વજીરભાઈ માટે આ વખતનો વસંતોત્સવ ખૂબ જ ખાસ રહ્યો છે. તેમણે હર્ષ સાથે જણાવ્યું કે ટૂંકા ગાળામાં જ તેમનો આખો સ્ટોલ બે વખત ખાલી થઈ ગયો હતો. જેટલી વસ્તુઓ તેઓ લઈને આવ્યા હતા, તેનાથી બમણી વસ્તુઓની માંગ ઊભી થઈ હતી. લોકોમાં ખાસ કરીને વાંસમાંથી બનેલી ઘરવખરી અને કલાત્મક ફ્રેમ્સ માટે ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. આ પ્રતિસાદ તેમના આખા સમુદાય માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે.
સરકારી પ્રોત્સાહન અને વૈશ્વિક ઓળખ
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને રમતગમત સાંસ્કૃતિક વિકાસ વિભાગના સહયોગથી આ કળા આજે વૈશ્વિક મંચ પર પહોંચી છે. વજીરભાઈની કળાની પ્રશંસા અગાઉ G-20 બિઝનેસ સમિટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ થઈ ચૂકી છે. વજીરભાઈ જણાવે છે કે, “મને ગર્વ છે કે અમારી પેઢી દર પેઢી ચાલી આવતી આ વાંસકામની કળાને લોકો આટલો પ્રેમ આપી રહ્યા છે.”

