મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિજિટલ ગુજરાત તરફ મોટું પગલું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ‘સુગમ ડિજિટલ ગુજરાત’ નામની મહત્વકાંક્ષી પહેલનો વિધિવત પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક ક્રાંતિકારી કદમ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક, પારદર્શક અને નાગરિક-કેન્દ્રી બનાવવાનો છે. હવે નાગરિકોએ સામાન્ય સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે, પરંતુ ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેઠા જ વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.
૨૦ મહત્વની સેવાઓ હવે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ બનશે
ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે, રાજ્ય સરકારના ૫ મુખ્ય વિભાગોની ૨૦ જેટલી હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આવક અને જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી અને સોગંદનામા જેવી પાયાની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ સેવાઓ હવે સંપૂર્ણપણે ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ મોડમાં ઉપલબ્ધ થશે, જેનાથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને નાગરિકોના સમય તથા શક્તિની મોટી બચત થશે.
ડિજિટલ લોકર અને વોટ્સએપ દ્વારા પ્રમાણપત્રોની ઉપલબ્ધતા
નાગરિકોની સુવિધા માટે આ નવી સિસ્ટમમાં ડેટા ડિજિટલ ફોર્મેટમાં સંગ્રહિત કરવામાં આવશે, જેથી દરેક નવી સેવા માટે યુઝરે વારંવાર એકના એક દસ્તાવેજો રજૂ કરવા નહીં પડે. આ માટે ‘ડિજિટલ લોકર’ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમની વિશેષતા એ છે કે તે આધાર કાર્ડ આધારિત ઓથેન્ટિકેશન પર કામ કરે છે અને બારકોડ ધરાવે છે. નાગરિકોને તેમના જરૂરી પ્રમાણપત્રો સીધા તેમના મોબાઈલ ફોન પર અથવા વોટ્સએપ પર મળી જશે, જે વહીવટી પ્રક્રિયાને અત્યંત ઝડપી બનાવશે.
છેવાડાના માનવી સુધી ડિજિટલ ક્રાંતિ પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જેવી રીતે આજે નાના ફેરિયાઓ અને શાકભાજી વેચનારાઓ પણ યુપીઆઈ (UPI) નો ઉપયોગ કરી રહ્યા છે, તેવી જ રીતે આ ડિજિટલ સેવાઓ પણ જન-જન સુધી પહોંચવી જોઈએ. તલાટી અને વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) ને આ સેવાઓનો વ્યાપક પ્રચાર કરવા સૂચના આપવામાં આવી છે. સરકારનો લક્ષ્ય ‘નાગરિક દેવો ભવ’ના ભાવ સાથે ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાનો છે. ભવિષ્યમાં વધુ સેવાઓ આ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવશે જેથી ગુજરાત ડિઝિટલ ક્ષેત્રે દેશનું મોડેલ રાજ્ય બની રહે.

