ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલિંગ પર સંકટ! ગ્લેન મેકગ્રાએ ટીમની આગામી પેઢીને લઈ આપી મોટી ચેતવણી
T20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જતાં હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટા પરિવર્તનની ચર્ચાઓ શરૂ થઈ છે. ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓ હવે તેમના કરિયરના અંતિમ પડાવ પર છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના મહાન પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ટીમના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ફાસ્ટ બોલિંગના ભવિષ્ય અંગે ચિંતા
ચેન્નાઈ સ્થિત MRF પેસ ફાઉન્ડેશન ખાતે વાતચીત દરમિયાન મેકગ્રાએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા માટે અત્યારે સૌથી મોટો પડકાર ફાસ્ટ બોલરોની નવી પેઢી તૈયાર કરવાનો છે. મેકગ્રાના મતે, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની ત્રિપુટીએ લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયન બોલિંગનો ભાર ઉઠાવ્યો છે, પરંતુ તેમને રિપ્લેસ કરવા માટે તૈયાર હોય તેવા યુવા ચહેરાઓ અત્યારે દેખાઈ રહ્યા નથી.
મેકગ્રાએ ઈંગ્લેન્ડ સામેની તાજેતરની શ્રેણીનું ઉદાહરણ આપતા કહ્યું:
ટીમમાં અત્યારે સ્કોટ બોલેન્ડ, માઈકલ નેસર અને ઝે રિચર્ડસન જેવા બોલરોનો ઉપયોગ થઈ રહ્યો છે.આ ખેલાડીઓ પણ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે અને તેઓ સંપૂર્ણપણે ‘યુવા’ વિકલ્પ નથી.ખરેખર જે નવી પેઢી તૈયાર થવી જોઈએ, તે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર હોય તેમ લાગતું નથી.
IPL અને બિગ બેશની ભૂમિકા
મેકગ્રા માને છે કે આ બદલાવના સમયમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. IPL અને બિગ બેશ લીગ (BBL) જેવી ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની તક આપે છે. મેકગ્રાએ કહ્યું કે, “IPLમાં રમવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે. બિગ બેશમાં કૂપર કોનોલી જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જે એક સકારાત્મક સંકેત છે.”

