Kotak Bank New Rules: ECS ફેલ થશે તો ખિસ્સા થશે ખાલી, બેંકે ફી અને કેશ લિમિટમાં કર્યો મોટો ફેરફાર
કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર છે. બેંકે તેના સેવિંગ્સ અને કોર્પોરેટ સેલેરી એકાઉન્ટ ધારકો માટે વિવિધ બેંકિંગ ચાર્જીસમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. બેંકે ECS ફેઈલિયર ફી, ડેબિટ કાર્ડ એન્યુઅલ ફી અને કેશ ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટા ફેરફારો કર્યા છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. જો તમે કોટક બેંકના ગ્રાહક છો, તો આ બદલાતા નિયમોને વિગતે સમજવા તમારા માટે અત્યંત જરૂરી છે.
ECS અને NACH ફેલિયર ફીમાં વધારો
ઘણીવાર આપણે હોમ લોન, કાર લોન કે મ્યુચ્યુઅલ ફંડની SIP માટે ઓટો-ડેબિટ (ECS/NACH) ની સુવિધા લેતા હોઈએ છીએ. જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે આ ટ્રાન્ઝેક્શન ફેઈલ જાય, તો બેંક અત્યાર સુધી દરેક ફેઈલ ટ્રાન્ઝેક્શન પર ₹500 ચાર્જ વસૂલતી હતી. પરંતુ 1 એપ્રિલ 2026 થી આ ગણિત બદલાશે.
બેંકના નવા નિયમ મુજબ, મહિનાના પ્રથમ ECS ફેઈલિયર પર ₹500 નો ચાર્જ લાગશે, પરંતુ જો તે જ મહિનામાં બીજું કે તેના પછીનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન ફેઈલ જશે, તો તેના પર ₹550 પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. આનો અર્થ એ કે જો તમે તમારા ખાતામાં બેલેન્સ રાખવામાં બેદરકારી દાખવશો, તો તમારે દરેક વધારાના ફેઈલ ટ્રાન્ઝેક્શન પર ₹50 વધુ ચૂકવવા પડશે.
ડેબિટ કાર્ડ ફી અને કેશ ટ્રાન્ઝેક્શનની નવી મર્યાદા
કોટક બેંકે તેના લોકપ્રિય ‘Pay Shop More’ ડેબિટ કાર્ડની ફીમાં પણ વધારો કર્યો છે. આ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફી જે અત્યાર સુધી ₹259 હતી, તેને વધારીને ₹285 કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકોએ હવે વાર્ષિક ₹26 વધુ ચૂકવવા પડશે.
આ ઉપરાંત, કેશ ટ્રાન્ઝેક્શન લિમિટમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. બેંકના પ્રીમિયમ બેંકિંગ પ્રોગ્રામ્સ (જેમ કે Solitaire, Privy, Maxima વગેરે) સાથે જોડાયેલા ગ્રાહકો જો તેમની નક્કી કરેલી રિલેશનશિપ વેલ્યુ (RV) જાળવી નહીં શકે, તો તેમના માટે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડી દેવામાં આવશે. આવા ગ્રાહકો મહિનામાં માત્ર 3 કેશ ટ્રાન્ઝેક્શન અને મહત્તમ ₹1,00,000 સુધીનો જ રોકડ વ્યવહાર મફતમાં કરી શકશે. આ મર્યાદા ઓળંગતા જ નિર્ધારિત ચાર્જીસ વસૂલવામાં આવશે.
થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શન અને ગ્રાહકો પર અસર
બેંકે હવે ‘થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શન’ પર પણ ફી દાખલ કરી છે. જે ગ્રાહકો બીજાના ખાતામાં રોકડ જમા કરાવે છે અથવા લેવડદેવડ કરે છે, તેમના માટે મહિનાની મફત મર્યાદા ₹25,000 નક્કી કરવામાં આવી છે. જો આ મર્યાદા વટાવવામાં આવશે, તો દર ₹1,000 પર ₹5 લેખે ચાર્જ વસૂલવામાં આવશે. જોકે, આ કિસ્સામાં લઘુત્તમ ફી (Minimum Fee) ₹150 નક્કી કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે મોંઘી સાબિત થઈ શકે છે.
આ ફેરફારો પાછળ બેંકનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ પ્રોત્સાહિત કરવાનો અને ખાતામાં પૂરતું બેલેન્સ જાળવવા માટે જાગૃત કરવાનો છે. ગ્રાહકોએ હવેથી તેમના ઓટો-ડેબિટ પેમેન્ટ્સ અને કેશ લિમિટ પર ખાસ ધ્યાન રાખવું પડશે, જેથી બિનજરૂરી ચાર્જીસથી બચી શકાય.

