ગંગા સ્વરૂપા, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજનાના ૬૬૮ લાભાર્થીઓને મળ્યા મંજૂરી પત્રો
સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના કુલ ૬૬૮ લાભાર્થીઓને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’, ‘નિરાધાર વૃદ્ધ’ અને ‘દિવ્યાંગ સહાય યોજના’ના મંજૂરી પત્રો વહેંચવામાં આવ્યા હતા. જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યાં આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને શોધી, તેમના ફોર્મ ભરાવીને એક જ સ્થળે સહાયના હુકમો આપવામાં આવ્યા હોય. આ પ્રક્રિયાને તેમણે સરકારી કાર્યને બદલે ‘સંવેદનશીલતાનો યજ્ઞ’ ગણાવ્યો હતો.
ગંગા સ્વરૂપા બહેનો અને નિરાધાર વૃદ્ધોને આર્થિક ટેકો
સહાયની વિગતો આપતા જણાવવામાં આવ્યું કે, આજે ૧૯૭ ગંગા સ્વરૂપા બહેનોને પેન્શન સહાયના હુકમ અપાયા છે. આ ઉપરાંત ૧૬ પરિવારોને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ ૨૦,૦૦૦ રૂપિયાના ચેક અને ૪૪૫ જેટલા નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને દર મહિને ૧,૦૦૦ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા છેવાડાના અને જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સરકાર હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પડખે રહી હોવાનું આ તકે ભારપૂર્વક જણાવાયું હતું.
આયુષ્માન કાર્ડ અને મફત અનાજ જેવી લોકકલ્યાણકારી યોજનાઓ
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય અને અન્ન સુરક્ષા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જગદીશભાઈ મકવાણાએ ઉમેર્યું કે પહેલાં ગંભીર બીમારી વખતે મિલકત ગિરવે મૂકવી પડતી હતી, પરંતુ હવે આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. સાથે જ કોરોના કાળથી ચાલી રહેલી મફત અનાજની યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે તેવી ખાતરી અપાઈ હતી. જે બહેનો પાસે NFSA કાર્ડ નથી, તેમને તંત્ર દ્વારા કાર્ડ કઢાવી આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
