યુદ્ધ રોકવા ઈરાન નમ્યું: અમેરિકાની સૌથી મોટી શરત સ્વીકારી, પરમાણુ કાર્યક્રમ કરશે બંધ
અમેરિકા અને ઈઝરાઈલ સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ઈરાને એક ઐતિહાસિક જાહેરાત કરી છે. શાંતિ સમજૂતી માટે અમેરિકાએ ઈરાન સામે જે સૌથી મુખ્ય શરત મૂકી હતી, તે તેના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાની હતી. અત્યાર સુધી આ મુદ્દે અડગ રહેલા ઈરાને હવે નરમ વલણ અપનાવતા પરમાણુ કાર્યક્રમ પડતો મૂકવાની તૈયારી બતાવી છે.
ઈરાનનો પહેલીવાર પરમાણુ કાર્યક્રમ ખતમ કરવાનો પ્રસ્તાવ
ઈરાનના નાયબ વિદેશ મંત્રી ખાતિબઝેદ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે જો અમેરિકા ઈરાનને કોઈ સારો અને સ્વીકાર્ય પ્રસ્તાવ આપે છે, તો ઈરાન તેનો ન્યુક્લિયર પ્રોગ્રામ કાયમ માટે ખતમ કરી દેશે.
નોંધનીય છે કે અગાઉ ઈરાન માત્ર યુરેનિયમ સંવર્ધનને મર્યાદિત કરવાની વાતો કરતું હતું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે સત્તાવાર રીતે સમગ્ર પરમાણુ કાર્યક્રમને જ સમાપ્ત કરવાની ઓફર મૂકવામાં આવી છે. અહેવાલ મુજબ, આ ઓફર યુદ્ધની સ્થિતિને સંપૂર્ણપણે બદલી શકે છે.
12 દેશોની મધ્યસ્થતા અને ગુપ્ત વાટાઘાટો
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આ વિવાદને ઉકેલવા માટે મધ્ય પૂર્વના 12 દેશો સક્રિય થયા છે. અહેવાલ મુજબ, આ દેશો સતત અમેરિકાના સંપર્કમાં છે. તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાન આ શાંતિ પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ ઓમાન અને સાઉદી અરેબિયા સાથે મળીને અમેરિકા પર દબાણ વધારી રહ્યા છે જેથી યુદ્ધનો અંત લાવી શકાય.
આ અગાઉ દાવો પણ કરવામાં આવ્યો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ગુપ્ત સ્થળે સમજૂતી માટેની વાતચીત ચાલી રહી છે, જેનો આ હકારાત્મક પરિણામ હોઈ શકે છે.
ઈરાન પાસે અત્યારે કેટલું યુરેનિયમ છે?
ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હાલમાં આશરે 460 કિલો સંવર્ધિત યુરેનિયમનો જથ્થો છે. આ જથ્થો 60 ટકા સુધી સંવર્ધિત છે. જો તેને 90 ટકા સુધી સંવર્ધિત કરવામાં આવે, તો ઈરાન તેમાંથી 11 પરમાણુ બોમ્બ બનાવી શકે છે. આ જ કારણ છે કે અમેરિકા અને ઈઝરાઈલ માટે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સૌથી મોટો ખતરો માનવામાં આવે છે.

