શહેરી વિકાસ અને ક્લાઈમેટ રિઝીલિયન્ટ સિટીઝના વિઝન પર આધારિત પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે “શેપિંગ ટુમોરોઝ સીટીઝ – ફ્રોમ ક્લાયમેટ રીસ્ક ટૂ ગ્રીન ઓપોર્ચ્યુનીટીઝ” પુસ્તકનું વિમોચન કર્યું હતું. આધુનિક યુગમાં શહેરીકરણ એક મોટી પ્રક્રિયા છે, જેને સમસ્યા ગણવાને બદલે સસ્ટેનેબલ અને આધુનિક શહેરો બનાવવાની તક તરીકે જોવી જોઈએ તેવું આ પુસ્તકમાં જણાવાયું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શાલિની અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વના શહેરી વિકાસના વિઝનને આ પુસ્તકમાં ખૂબ જ સચોટ રીતે રજૂ કર્યું છે.
ક્લાયમેટ ચેન્જ સામે લડવા અને પર્યાવરણના રક્ષણ માટેનું આયોજન
વધતા શહેરીકરણને કારણે પર્યાવરણ અને સામાજિક પડકારો ઉભા થઈ રહ્યા છે. આ પુસ્તકમાં એનર્જી ડિમાન્ડ (ઉર્જાની માંગ), સંસાધનોનો વપરાશ અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનથી થતી અસરોને કેવી રીતે રોકવી તેના ઉપાયો વણી લેવામાં આવ્યા છે. ભારત ૨૦૪૭ સુધીમાં ઝડપથી શહેરીકરણ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને પાણી જેવી મૂળભૂત સેવાઓ પર ભાર વધશે. આથી શહેરોનું સુવ્યવસ્થિત આયોજન અને ટકાઉ વિકાસ અત્યંત અનિવાર્ય છે.
ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડ મેળવવા માટેના આધુનિક માર્ગો
ટકાઉ વિકાસના પ્રોજેક્ટ્સ માટે જરૂરી મૂડી કેવી રીતે એકઠી કરવી તેની છણાવટ પણ આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગ્રીન બોન્ડ, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP), કાર્બન માર્કેટ અને ક્લાઈમેટ ફાઈનાન્સ જેવા માધ્યમો દ્વારા મોટું રોકાણ મેળવી શકાય છે. આ સાથે જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાકીય ક્ષમતા મજબૂત બનાવવા અને મ્યુનિસિપલ ફાઈનાન્સ સિસ્ટમને વધુ સુદ્રઢ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી શહેરો આર્થિક રીતે સક્ષમ બની શકે.
શહેરો: સમસ્યા નહીં પણ વિકાસ અને ઉકેલનું કેન્દ્ર
પુસ્તકમાં એક સકારાત્મક દૃષ્ટિકોણ રજૂ કરાયો છે કે શહેરો સમસ્યાઓનું મૂળ નથી, પરંતુ સામાજિક અને પર્યાવરણીય પડકારોના ઉકેલ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. યોગ્ય ટેકનોલોજી અને સસ્ટેનેબલ પોલિસી દ્વારા શહેરોને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ બનાવી શકાય છે. ભવિષ્યના શહેરો માત્ર વસવાટ માટે જ નહીં, પણ પર્યાવરણ સાથે તાલ મિલાવીને ચાલનારા વિકાસના કેન્દ્રો બને તેવું આલેખન આ પુસ્તકમાં શાલિની અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે.
