પાવાગઢ જતાં પહેલાં આ ખાસ જોઈ લો! હવે માંચીથી મંદિર સુધીની યાત્રા બનશે અતિ સરળ અને આધુનિક
ગુજરાતની પવિત્ર ભૂમિ પર સ્થિત અને યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન ધરાવતું પાવાગઢનું મહાકાળી ધામ અનાદિ કાળથી લાખો માઈભક્તો માટે આસ્થા, શ્રદ્ધા અને શક્તિનું અનન્ય કેન્દ્ર રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના દૂરોગામી મંત્રને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પાવાગઢ અને સમગ્ર ચાંપાનેર વિસ્તારના પુનરુદ્ધાર માટે કમર કસી છે.
રૂ. ૩૫૯ કરોડથી પણ વધુના ભવ્ય મેગા માસ્ટર પ્લાન થકી પાવાગઢ માત્ર ધાર્મિક સ્થાન જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરનું ‘હેરિટેજ-રિલીજિયન ટુરિઝમ હબ’ બની રહ્યું છે. ચાર વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલા આ માસ્ટર પ્લાન દ્વારા યાત્રાળુઓ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓનો મોટો ધમધમાટ ચાલી રહ્યો છે.
પ્રથમ બે તબક્કા પૂર્ણ: રૂ. ૧૨૧ કરોડના ખર્ચે બદલાયો મંદિરનો નકશો
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરાયેલા મેગા માસ્ટર પ્લાનના પ્રથમ અને બીજા તબક્કાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ બે તબક્કામાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચે મહાકાળી મંદિર અને સમગ્ર પરિસરનું અભૂતપૂર્વ નવીનીકરણ તથા વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે.
-
પરિસરનો ૬ ગણો વિસ્તાર: અગાઉ જ્યાં મંદિરનું પરિસર માત્ર ૫૪૫ ચોરસ મીટરનું હતું, તે હવે ત્રણ અલગ-અલગ લેવલમાં વિસ્તરીને ૨૯૮૦ ચોરસ મીટર જેટલું અતિ વિશાણ બની ગયું છે. તેનાથી હજારો ભક્તો એકસાથે દર્શન કરી શકે છે.
-
સુવિધાસભર પાથ-વે અને સીડીઓ: માંચી ચોકથી લઈને મંદિર પરિસર સુધીના ૩.૦૧ કિલોમીટર પહોળા પાથ-વેનું નિર્માણ કરાયું છે, જેમાં કુલ ૨,૩૭૪ નવી સીડીઓ બનાવવામાં આવી છે, જેથી ચઢાણ આસાન બને.
-
આધુનિક સુરક્ષા અને રોશની: સમગ્ર માર્ગ અને પરિસરમાં વીજળીકરણ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સીસીટીવી (CCTV) કેમેરાની ચુસ્ત વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.

ત્રીજો અને ચોથો તબક્કો: ચાંપાનેર અને વડા તળાવ બનશે વધુ વૈભવી
પાવાગઢના વિકાસનો આગામી અધ્યાય તેને વધુ આકર્ષક અને સુવિધાજનક બનાવશે. રૂ. ૨૩૮ કરોડના ખર્ચે અમલમાં મુકાનારા ત્રીજા અને ચોથા તબક્કા હેઠળ તળેટી અને આસપાસના વિસ્તારોનો સર્વાંગી વિકાસ કરાશે.
૧. ફેઝ-૩એ (રૂ. ૧૩.૬૮ કરોડ)
આ તબક્કા હેઠળ માંચી ચોક ખાતે શ્રદ્ધાળુઓના વાહનોના પાર્કિંગ માટે મલ્ટી-લેવલ પાર્કિંગનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયું છે, જેનાથી માંચી ખાતે થતા ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.
૨. ફેઝ-૩બી (રૂ. ૧૩૫.૧૯ કરોડ)
ચાંપાનેર વિસ્તારમાં આંતરિક અને બાહ્ય સુંદર રસ્તાઓ, પાથ-વે, પ્લાન્ટેશન, સ્ટ્રીટ લાઈટ્સ, ૬૦૦થી વધુ ફોર-વ્હીલર અને ટૂ-વ્હીલર માટે પાર્કિંગ તેમજ બસ સેવાઓની સુવિધાઓ ઊભી કરાશે.
૩. વડા તળાવ પરિક્ષેત્રનો વિકાસ
પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે વડા તળાવ ખાતે ખાસ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેમાં આકર્ષક ઉદ્યાન (Garden), ઘાટ, વોટર જેટ્ટી, ફૂટ ઓવર બ્રિજ, થીમ પાર્ક, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, બર્ડ વોચિંગ ટાવર, સ્થાનિક હસ્તકળા માટે ક્રાફ્ટ સ્ટોલ અને અન્ય ૫૦૦ કાર માટે પાર્કિંગની વ્યવસ્થા સામેલ છે.
કલશારોહણ અને પુનરુદ્ધારના ૪ વર્ષ: શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો
ઐતિહાસિક દ્રષ્ટિએ ૧૮ જૂનનો દિવસ પાવાગઢ માટે અત્યંત વિશેષ છે. ૧૮ જૂન, ૨૦૨૨ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પાવાગઢના નવ-નિર્મિત શિખર પર ૫૦૦ વર્ષના લાંબા અંતરાલ બાદ વિધિવત રીતે કલશ અને ધ્વજારોહણ કર્યું હતું. આ ધ્વજારોહણ બાદ પાવાગઢ ધામમાં દર્શનાર્થે આવતા માઈભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થયો છે.
૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ આ પુનરુદ્ધારના ૪ વર્ષ પૂર્ણ થયા છે, અને આ ચાર વર્ષોના આંકડા દર્શાવે છે કે પાવાગઢ પ્રવાસીઓ માટે દેશનું મોટું શ્રદ્ધાકેન્દ્ર બન્યું છે:
-
છેલ્લા ૪ વર્ષમાં (૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬): પાવાગઢ ખાતે ૩ કરોડ ૮૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શન કર્યા છે.
-
અગાઉના ૫ વર્ષની સરખામણી (૨૦૧૬-૧૭ થી ૨૦૨૧-૨૨): તે સમયે પાંચ વર્ષમાં કુલ ૨.૩૨ કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
-
દાયકાનો કુલ આંકડો: ૨૦૧૬-૧૭ થી ૨૦૨૫-૨૬ સુધીના દસ વર્ષમાં ૬.૧૭ કરોડથી વધુ ભક્તોએ પાવાગઢની યાત્રા કરી છે. ૨૦૧૬-૧૭ માં જ્યા વાર્ષિક ૩૮.૬૭ લાખ ભક્તો આવતા હતા, ત્યાં આજે વાર્ષિક ધોરણે ભક્તોનો પ્રવાહ છ ગણો વધી ગયો છે.
રાજ્ય સરકારના આ ભગીરથ પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન વિરાસતનું જતન કરીને પણ તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી શકાય છે. ચાંપાનેર-પાવાગઢના આ માસ્ટર પ્લાનને કારણે સ્થાનિક કક્ષાએ રોજગારી અને ટુરિઝમ ક્ષેત્રે મોટો ઉછાળો આવ્યો છે. માઈભક્તો માટે હવે પાવાગઢની યાત્રા માત્ર ધાર્મિક અનુભવ જ નહીં, પરંતુ સુગમ, સુરક્ષિત અને અવિસ્મરણીય સ્મૃતિ બની ગઈ છે.