રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની મદદથી તાપીની આદિવાસી બહેનો ગૃહઉદ્યોગથી આર્થિક સશક્તિકરણનું ઉદાહરણ બની
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના રેંગણકચ્છ ગામની આદિવાસી બહેનોએ પ્રકૃતિના સાનિધ્યમાં રહીને આર્થિક સશક્તિકરણની નવી રાહ ચીંધી છે. ઘરકામની સાથે સાથે આ બહેનોએ કેસુડાના ફૂલોને પોતાની આજીવિકાનું સાધન બનાવ્યું છે. ‘પૂર્ણા સખી મંડળ’ નામનું જૂથ બનાવીને ૧૦ આદિવાસી મહિલાઓએ કુદરતી સંસાધનોમાંથી સાબુ બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો છે. કેસુડાની સુગંધ અને તેના ઔષધીય ગુણોએ આ બહેનોના જીવનમાં સમૃદ્ધિના રંગો ભરી દીધા છે.
RSETI ની તાલીમ અને પ્રાકૃતિક સાબુનું ઉત્પાદન
મંડળના સભ્ય કોકિલાબેન ચૌધરી જણાવે છે કે, તેમણે RSETI (રૂસેટી) સંસ્થામાંથી સાબુ બનાવવાની વ્યાવસાયિક તાલીમ લીધી હતી. ત્યારબાદ તેમણે કેસુડા, એલોવેરા, લીમડો, લેમન અને કેસર-ચંદન જેવા શુદ્ધ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને સાબુ બનાવવાનું શરૂ કર્યું. ખાસ કરીને ઉનાળામાં કેસુડાના સાબુ ત્વચાને ઠંડક આપે છે અને એલોવેરા મોઈશ્ચરાઈઝ રાખે છે, જેના કારણે બજારમાં આ પ્રોડક્ટ્સની ભારે માંગ રહે છે. આ સાબુ સંપૂર્ણપણે કેમિકલ રહિત હોવાથી ગ્રાહકોમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા છે.
લાખોનું વેચાણ અને આર્થિક સમૃદ્ધિ
પૂર્ણા સખી મંડળની આર્થિક સફર ખૂબ જ પ્રભાવશાળી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં વ્યારા ખાતે યોજાયેલા સ્વદેશી મેળામાં આ મંડળે માત્ર એક મહિનામાં રૂ. ૧.૧૦ લાખનું વેચાણ કર્યું હતું. સામાન્ય દિવસોમાં મંડળની માસિક આવક ૩૦ હજાર રૂપિયાની આસપાસ રહે છે, પરંતુ ઉનાળાની સિઝનમાં કેસુડાના સાબુની માંગ વધતા આ આવક ૫૦ હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. આ સફળતા પાછળ ‘સહયોગ સખી સંઘ’ અને સરકારી મેળાઓ દ્વારા મળતું પ્લેટફોર્મ મુખ્ય ભૂમિકા ભજવે છે.
સરકારી યોજનાઓના ટેકાથી વૈશ્વિક ઓળખ તરફ
આ મહિલાઓની સફળતામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો મોટો ફાળો છે. સરકાર દ્વારા મળેલી તાલીમ અને માર્કેટિંગ સપોર્ટને કારણે આ બહેનોએ માત્ર તાપી જ નહીં, પણ વલસાડ, નવસારી અને ગાંધીનગર જેવા મોટા શહેરોના મેળાઓમાં પણ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આ આદિવાસી બહેનોની સિદ્ધિ એ વાતની સાબિતી છે કે જો ગ્રામીણ મહિલાઓને યોગ્ય તક મળે, તો તેઓ પણ એક કુશળ બિઝનેસમેન બની શકે છે.

