તાપીના ઉચ્છલ નજીક શર્મા ટ્રાવેલ્સની બસ પલટી મારતાં ગંભીર અકસ્માત: ઘાયલોને ચીસો પાડતા છોડી ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ
તાપી જિલ્લાના નિઝરથી ઉચ્છલ તરફ જતા સ્ટેટ હાઇવે નંબર ૮૦ પર માણેકપુર ગામની સીમમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નિઝર તરફથી આવી રહેલી ‘શર્મા ટ્રાવેલ્સ’ની ખાનગી લક્ઝરી બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા બસ રસ્તા પર પલટી મારી ગઈ હતી. અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં અનેક મુસાફરોને નાના-મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જાયા બાદ દર્દથી કણસી રહેલા ઘાયલ મુસાફરોને મદદ કરવાના બદલે બસનો ચાલક માનવતા નેવે મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ આસપાસના સ્થાનિક રહીશોને થતાં તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ સાથે જ બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા જ ઉચ્છલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી બસમાંથી ઘાયલ મુસાફરોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ચાલક સામે ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

માણેકપુર ગામની સીમમાં સર્જાયેલા આ ગંભીર અકસ્માતને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં અનેક સવાલો ઊભા થયા છે. અકસ્માતગ્રસ્ત બસનો રજીસ્ટ્રેશન નંબર MP-10-P-6688 છે, જે મધ્ય પ્રદેશ પાસિંગનું વાહન હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ ખાનગી બસ પાસે વહિવટી નિયમો મુજબનું યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ હતું કે કેમ? આંતરરાજ્ય રૂટ પર દોડતી આવી ખાનગી બસોના ફિટનેસ અને પરમિટની યોગ્ય તપાસ થાય છે કે નહીં તે સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે.
આ ઉપરાંત, અકસ્માત પાછળનું સાચું કારણ શું હતું તે અંગે પણ તરહ-તરહની ચર્ચા જાગી છે. શું બસ ચાલક નશાની હાલતમાં વાહન હંકારી રહ્યો હતો જેના કારણે આ ઘટના ઘટી, કે પછી બસમાં અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી? ચાલક અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હોવાથી તેની ભૂમિકા અને માનસિક સ્થિતિ અંગે શંકા વધુ ઘેરી બની છે.