વિશ્વ કપ જીત્યા બાદ હવે ક્યાં જશે સૂર્યા? ૩૫ વર્ષની ઉંમરે ઓલિમ્પિક ગોલ્ડ પર નજર અને કરિયરનો નિર્ણાયક વળાંક
ટીમ ઈન્ડિયાને પોતાની કપ્તાની હેઠળ T20 વર્લ્ડ કપ 2026નો તાજ અપાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ અત્યારે આકાશની ઊંચાઈઓ પર છે. ૩૫ વર્ષની ઉંમરે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન બનવાનો રોમાંચ સૂર્યા માટે ખાસ છે, કારણ કે તે રોહિત શર્મા પછી આ ખિતાબ જીતનાર બીજા સૌથી વરિષ્ઠ કેપ્ટન બન્યા છે. અમદાવાદની જે ધરતી પર ૨૦૨૩માં નિરાશા મળી હતી, ત્યાં જ ૨૦26માં ઐતિહાસિક જીત મેળવીને સૂર્યાએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ, હવે સવાલ એ છે કે સૂર્યા માટે આગળનો રસ્તો કેવો હશે?
ઓલિમ્પિક ગોલ્ડનું સપનું અને વધતી ઉંમર
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ પોતાનો આગામી લક્ષ્યાંક લોસ એન્જલસમાં રમાનાર ૨૦૨૮ સમર ઓલિમ્પિક્સમાં ‘ગોલ્ડ મેડલ’ જીતવાનો જણાવ્યો છે. જોકે, આ સફર એટલી સરળ નથી. ૨૦૨૮ સુધીમાં સૂર્યા ૩૭ વર્ષના થઈ જશે. યુવા ખેલાડીઓના આગમન અને ૨૦૨૮માં ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા, સૂર્યાએ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સખત મહેનત કરવી પડશે. હાલમાં તે કેપ્ટન છે, પરંતુ BCCI આગામી નેતૃત્વ માટે અત્યારથી જ આયોજન કરી રહ્યું હોય તેમ જણાય છે.
શું શુભમન ગિલ હશે આગામી કેપ્ટન?
ભારતીય ક્રિકેટમાં કપ્તાનીમાં પરિવર્તન હવે બહુ દૂર નથી. શુભમન ગિલ, જે અત્યારે માત્ર ૨૬ વર્ષનો છે, તે પસંદગીકારોની પહેલી પસંદ હોઈ શકે છે. અગાઉ હાર્દિક પંડ્યાનું નામ મોખરે હતું, પરંતુ વર્કલોડ મેનેજમેન્ટને કારણે ગિલ હવે બે ફોર્મેટમાં કપ્તાની કરી રહ્યો છે. જો ગિલ પોતાનું ફોર્મ જાળવી રાખે છે, તો સૂર્યા પછી તે ભારતનો ફૂલ-ટાઈમ T20 કેપ્ટન બની શકે છે.
IPL 2026 અને ફોર્મમાં વાપસીનો પડકાર
સૂર્યકુમાર યાદવ માટે હવે પછીનું સૌથી મોટું પ્લેટફોર્મ IPL 2026 છે. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે અને તેને પોતાની જૂની લય પાછી મેળવવા માટે આ ૧૪ મેચો ખૂબ જ મહત્વની રહેશે. ૨૦૨૫નું વર્ષ તેના માટે ઘણું મુશ્કેલ રહ્યું હતું, જેમાં તેણે એક પણ ફિફ્ટી ફટકારી નહોતી. જોકે, વર્લ્ડ કપમાં તેણે ચાર અડધી સદી ફટકારીને વાપસી કરી છે, પણ તેના ઉંચા સ્ટાન્ડર્ડ મુજબ તે હજુ પણ તેના શ્રેષ્ઠ ‘ફ્રી-ફ્લોઈંગ’ ફોર્મથી થોડો દૂર છે.
૨૦૨૬નું વ્યસ્ત શિડ્યુલ અને ભાવિ નિર્ણય
ભારત માટે આગામી સમયમાં T20 મેચોનો ભરમાર છે:
- જૂન: ઈંગ્લેન્ડ સામે ૫ મેચોની સિરીઝ.
- ત્યારબાદ: બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે ૩-૩ મેચો.
- સપ્ટેમ્બર-ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ સામે કુલ ૧૦ T20 મેચો.
- ડિસેમ્બર: વર્ષના અંતે ૩ વધુ T20 મેચો.
આ આગામી ૨૪ T20 આંતરરાષ્ટ્રીય મેચો સૂર્યકુમાર યાદવનું ભાવિ નક્કી કરશે. જો તે બેટિંગમાં ફરીથી ૧૮૦+ ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાનું શરૂ કરશે, તો જ તે ૨૦૨૮ના ઓલિમ્પિકના સપનાને સાકાર કરી શકશે.

