BCCI પ્રાઈઝ મની બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની ઈનામી રકમ? જાણો ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024 વર્લ્ડ કપના આંકડા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ 2026 જીતનારી ભારતીય ટીમ માટે આખરે ઈનામી રકમની જાહેરાત કરી દીધી છે. 8 માર્ચે ન્યૂઝીલેન્ડને હરાવીને વિશ્વ વિજેતા બનેલી ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 થી અત્યાર સુધીમાં આ રકમમાં કેટલો વધારો થયો છે અને અગાઉની જીત વખતે કેટલી રકમ મળી હતી, તે જાણવું ખૂબ જ રસપ્રદ છે.
દરેક સભ્ય બનશે કરોડપતિ
ટીમ ઈન્ડિયાએ 2024 બાદ ફરી એકવાર 2026માં T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. 10 માર્ચે BCCI એ 131 કરોડ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી, જે ટીમના તમામ 15 ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે. જોકે, વ્યક્તિગત રીતે કોને કેટલા રૂપિયા મળશે તેની વિગતવાર માહિતી હજુ સામે આવી નથી, પરંતુ આ જંગી રકમને જોતા ચોક્કસપણે ટીમનો દરેક સભ્ય કરોડપતિ બનશે.
2024 અને 2025 કરતા કેટલી વધારે રકમ?
છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમે સતત ICC ટ્રોફીઓ જીતી છે, જેની સાથે ઈનામી રકમમાં પણ વધારો થયો છે:
T20 વર્લ્ડ કપ 2024: જ્યારે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ જીત્યો હતો, ત્યારે BCCI એ 125 કરોડ રૂપિયા ના ઈનામની જાહેરાત કરી હતી.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025: વર્ષ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર ટીમને 58 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
T20 વર્લ્ડ કપ 2026: હવે આ રકમ વધીને 131 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે 2024 ના વર્લ્ડ કપ કરતા 6 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીની સરખામણીએ વર્લ્ડ કપની ઈનામી રકમ ઘણી વધારે છે, જે આ ફોર્મેટની લોકપ્રિયતા અને મહત્વ દર્શાવે છે.
ટીમ ઈન્ડિયાએ રચ્યો અજોડ ઈતિહાસ
અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચની વાત કરીએ તો, ભારતીય બેટ્સમેનોએ મેદાન ગજવ્યું હતું. સંજુ સેમસન, ઈશાન કિશન અને અભિષેક શર્માની તોફાની અડધી સદીઓની મદદથી ભારતે 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી અને 96 રનથી હારી ગઈ.

