IPL 2026: યુવરાજ સિંહના માર્ગદર્શન હેઠળ રિષભ પંતની આકરી તૈયારી, પ્રેક્ટિસનો વીડિયો વાયરલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. જોકે હજુ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતનો એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ પાસે ટ્રેનિંગ લેતા જોવા મળી રહ્યા છે.
ઓફ-સાઇડ શોટ્સ પર વિશેષ ધ્યાન
મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) ખાતે પ્રેક્ટિસ કરી રહેલા પંત આ વીડિયોમાં પોતાની બેટિંગ તકનીકમાં ફેરફાર કરતા જોવા મળે છે. સામાન્ય રીતે પંત લેગ સાઈડ પર મોટા શોટ્સ રમવા માટે જાણીતા છે, પરંતુ આ વખતે તે યુવરાજ સિંહની દેખરેખ હેઠળ ‘ઓફ-સાઇડ’ પર વધુમાં વધુ શોટ્સ રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેટ્સમાં બેટિંગ દરમિયાન યુવરાજ સિંહ અમ્પાયરની પોઝિશનમાં ઊભા રહીને પંતની દરેક મૂવમેન્ટ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. આ ફેરફાર આગામી સીઝનમાં પંતની રમતને વધુ આક્રમક અને સચોટ બનાવી શકે છે.
ગત સીઝનનું ખરાબ પ્રદર્શન ભૂલવા માટે આતુર
રિષભ પંત માટે IPL 2025 ની સીઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. ડેબ્યૂ સીઝન પછી તે તેની કારકિર્દીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું, જેમાં તે આખી સીઝન દરમિયાન માત્ર 269 રન જ બનાવી શક્યા હતા. જોકે છેલ્લી લીગ મેચમાં તેમણે સદી ફટકારી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ખરાબ ફોર્મને કારણે પંતે ભારતીય વનડે ટીમમાંથી પણ પોતાની જગ્યા ગુમાવવી પડી હતી. આ ઉપરાંત, તેમના નેતૃત્વમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે રહી હતી.
Rishabh Pant is grinding hard in nets ahead of IPL 2026 under guidance of Yuvraj Singh pic.twitter.com/qBAI3LrntQ
— Harshit (@I_am_Harshit_17) March 10, 2026
યુવરાજ સિંહ: યુવા ખેલાડીઓના ‘ગોડફાધર’
યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી ભારતના અનેક યુવા ખેલાડીઓ માટે મેન્ટર તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. શુભમન ગિલ, અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહ જેવા સ્ટાર્સને પણ યુવીએ ટ્રેનિંગ આપી છે અને તેના પરિણામો મેદાન પર જોવા મળ્યા છે. હવે જ્યારે રિષભ પંત પણ તેમની શરણમાં ગયા છે, ત્યારે ચાહકોને આશા છે કે IPL 2026 માં પંતનું જૂનું અને વિસ્ફોટક રૂપ ફરી જોવા મળશે.
