T20 વર્લ્ડ કપ જીત્યા બાદ શિવમ દુબેની ‘ફિલ્મી’ ઘરવાપસી: ટ્રેનમાં ઓળખ છુપાવી મુસાફરી કરી, ટીટીઈને પણ આપી થાપ!
ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી જીતાડવામાં ઓલરાઉન્ડર શિવમ દુબેએ મહત્વનું યોગદાન આપ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું, ત્યારબાદ દરેક ખેલાડી પોતપોતાની રીતે ઉજવણી કરી રહ્યા હતા. પરંતુ શિવમ દુબે માટે અમદાવાદથી મુંબઈ સુધીની સફર કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નહોતી. ફ્લાઈટ ન મળવાને કારણે દુબેએ ટ્રેનમાં મુસાફરી કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો.
ઓળખ છુપાવવા માટે માસ્ક અને ટોપીનો સહારો
વર્લ્ડ કપ જીત્યા બાદ શિવમ દુબેને જલ્દી ઘરે પહોંચવું હતું, પરંતુ તે સમયે મુંબઈ માટે કોઈ ફ્લાઈટ ઉપલબ્ધ નહોતી. આથી તેમણે પત્ની અંજુમ અને એક મિત્ર સાથે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા નિવેદનમાં દુબેએ જણાવ્યું કે, તેમણે પોતાની ઓળખ છુપાવવા માટે ટોપી, માસ્ક અને ફુલ સ્લીવ ટી-શર્ટ પહેર્યું હતું. તેઓ ટ્રેન ઉપડવાની માત્ર 5 મિનિટ પહેલા જ સ્ટેશન પહોંચ્યા હતા જેથી ભીડ તેમને ઓળખી ન જાય.
એસી 3-ટીયરની સફર અને ટીટીઈ સાથેનો કિસ્સો
શિવમ દુબેએ એસી 3-ટીયરની ટિકિટ બુક કરાવી હતી. ટ્રેનમાં ચઢતાની સાથે જ તેઓ સીધા અપર બર્થ (ઉપરની સીટ) પર જઈને સૂઈ ગયા અને પોતાને ધાબળાથી ઢાંકી દીધા. મુસાફરી દરમિયાન સૌથી મુશ્કેલ ક્ષણ ત્યારે આવી જ્યારે ટીટીઈ (TTE) ટિકિટ ચેક કરવા આવ્યા. ચાર્ટમાં શિવમ દુબેનું નામ જોતા જ ટીટીઈને શંકા ગઈ અને તેમણે દુબેની પત્નીને પૂછ્યું, “શું આ પેલે ક્રિકેટર છે?” ત્યારે અંજુમે ચતુરાઈથી જવાબ આપ્યો, “ના ના, તે અહીં ક્યાંથી હોય?” આ જવાબ સાંભળીને ટીટીઈ આગળ વધી ગયા અને આ રીતે દુબેએ પોતાની ઓળખ છુપાવી રાખી.
બોરીવલી સ્ટેશન પર પોલીસની મદદ લેવી પડી
અમદાવાદથી મુંબઈની 8 કલાકની આ સફર પૂરી થવા આવી ત્યારે શિવમ દુબેને ચિંતા થઈ કે દિવસે સ્ટેશન પર ઉતરતી વખતે જો લોકો તેમને ઓળખી જશે તો નાસભાગ મચી શકે છે. આથી તેમણે મુંબઈ પહોંચતા પહેલા પોલીસની મદદ માંગી. જ્યારે પોલીસે સાંભળ્યું કે વર્લ્ડ કપ જીતનાર ખેલાડી ફ્લાઈટને બદલે ટ્રેનમાં આવી રહ્યો છે, ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અંતે, પોલીસે બોરીવલી સ્ટેશન પર તેમને સુરક્ષા આપી અને સલામત રીતે તેમના ઘર સુધી પહોંચાડ્યા.

