આણંદમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય જાળવવા માટે BP, ડાયાબિટીસ, ECG સહિતની તપાસ સાથે આરોગ્ય કેમ્પ
સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ અવારનવાર કામના ભારણને કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આણંદના જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના બીજા માળે એક વિશેષ ‘આરોગ્ય તપાસ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલ હોસ્પિટલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ વહીવટી તંત્રના કર્મયોગીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવો હતો.
નિષ્ણાત તબીબો દ્વારા ૧૪૦ જેટલા કર્મચારીઓની સર્વગ્રાહી તપાસ
આ કેમ્પમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ટીમે હાજર રહીને કર્મચારીઓની શારીરિક તપાસ કરી હતી. જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વજન અને ઊંચાઈની માપણીની સાથે લોહીના પરીક્ષણો પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને હૃદયની તપાસ માટે ઈસીજી (ECG) અને મહિલા કર્મચારીઓ માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ જેવી અદ્યતન સુવિધાઓ પણ સ્થળ પર ઉપલબ્ધ કરાવાઈ હતી. કેમ્પનો લાભ લેનારા કુલ ૧૪૦ કર્મચારીઓમાં ૧૦૩ પુરુષો અને ૩૭ મહિલાઓનો સમાવેશ થાય છે.
માનસિક તણાવ મુક્ત રહેવા અને પોષણયુક્ત આહારનું માર્ગદર્શન
તબીબોએ તપાસ દરમિયાન કર્મચારીઓને તેમની વ્યસ્ત જીવનશૈલીમાં માનસિક તણાવ કેવી રીતે ઘટાડવો અને પોષણક્ષમ ખોરાક કેવી રીતે લેવો તે અંગે મહત્વની સલાહ આપી હતી. તપાસમાં જે કર્મચારીઓને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો જણાઈ હતી, તેમને સ્થળ પર જ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આંકડાકીય વિગતો મુજબ, ૭૫ લોકોના ઈસીજી કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૧ મહિલાઓનું કેન્સર સ્ક્રીનિંગ અને કેટલાક લોકોમાં ડાયાબિટીસ તથા હાઈપરટેન્શનનું નિદાન થયું હતું.
કાર્યસ્થળ પર જ આરોગ્ય સેવાની સુવિધાથી કર્મચારીઓમાં ખુશી
આણંદ જિલ્લા વહીવટી તંત્રના આ પ્રજાભિમુખ અને કર્મચારીલક્ષી અભિગમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. વર્ગ-૧ થી લઈને વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓએ એક જ સ્થળે તમામ રિપોર્ટ્સ કરાવીને પોતાના સ્વાસ્થ્યની સ્થિતિ જાણી હતી. ઓફિસ સમય દરમિયાન જ કચેરીના પ્રાંગણમાં આવી સુવિધા મળતા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રકારના આયોજનથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને તેઓ વધુ સારી રીતે લોકોની સેવા કરી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

