આવક કરતા 68% વધુ મિલકત! જાણો કેવી રીતે પૂર્વ કલેક્ટર કેતકીબેન વ્યાસે સત્તાનો કર્યો દુરુપયોગ?
ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) શ્રીમતી કેતકીબેન વ્યાસ (ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 ના સિનિયર સ્કેલના અધિકારી, હાલ ફરજ મોકૂફ) વિરૂદ્ધ ACB એ મોટી કાર્યવાહી કરી છે. તેમની સામે ₹3,56,03,910/- (ત્રણ કરોડ છપ્પન લાખ ત્રણ હજાર નવસો દસ રૂપિયા પુરા) ની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) વસાવવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આવક કરતા 68.84% વધુ મિલકત મળી આવી
ACB ના જણાવ્યા અનુસાર, કેતકીબેન વ્યાસે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ચેક પિરિયડ દરમિયાન કાયદેસરની આવકના સ્ત્રોત કરતા 68.84% જેટલી વધુ અપ્રમાણસર મિલકતો વસાવી છે. આ નાણાં તેમણે પોતાના તથા પરિવારજનોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે.

કયા સમયગાળાની થઈ તપાસ?
ચેક પિરિયડ: તા. 01/04/2012 થી તા. 31/03/2023 આ 11 વર્ષના ગાળા દરમિયાન તેમણે ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
તપાસ કોણે કરી?
પ્રાથમિક તપાસ: શ્રીમતી એ. કે. ચૌહાણ (પો.ઇ., એ.સી.બી. ફીલ્ડ-1, ગુ.રા., અમદાવાદ) દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન: આ સમગ્ર તપાસનું સુપરવિઝન શ્રીમતી ભારતી પંડ્યા (નાયબ નિયામક – વહીવટ) નાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
કઈ કલમો હેઠળ ગુનો દાખલ થયો?
કેતકીબેન વ્યાસ વિરૂદ્ધ અમદાવાદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે: ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 ની કલમ 13(1)(ઈ) તથા 13(2) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા અધિનિયમ-2018) ની કલમ 13(1)(બી), 13(2)
આગળની કાર્યવાહી: આ ગુનાની આગળની તપાસ અમદાવાદ એકમના મદદનીશ નિયામકશ્રી નાઓને સોંપવામાં આવી છે, જે નાયબ નિયામકશ્રી એ.સી.બી. અમદાવાદના સુપરવિઝન હેઠળ ચાલશે.