ત્રણ જાહેર રજામાં 31.84 લાખનો મિલકત વેરો વસૂલ, 31 માર્ચ પહેલા ચૂકવણી કરવા મનપાની અપીલ
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારના મિલકત ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાથી, જે નાગરિકોનો મિલકત વેરો ભરવાનો બાકી છે તેઓ સરળતાથી નાણાં જમા કરાવી શકે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ વેરા શાખાની તમામ કચેરીઓ ખુલ્લી રાખવા સૂચના આપવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોને કામકાજના દિવસો સિવાય પણ વેરો ભરવાની અનુકૂળતા કરી આપવાનો છે.
જાહેર રજાના દિવસોમાં નગરજનો દ્વારા નોંધપાત્ર વેરાની ચુકવણી
મહાનગરપાલિકાની આ પહેલને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આણંદ, બાકરોલ, વિદ્યાનગર, કરમસદ, મોગરી, લાંભવેલ, ગામડી અને જીટોડીયા ખાતે આવેલી મનપાની કચેરીઓમાં છેલ્લા ત્રણ રજાના દિવસો દરમિયાન કુલ ₹31,84,127 નો બાકી મિલકત વેરો જમા થયો છે. આંકડાકીય વિગત મુજબ, ૧૯મી માર્ચના રોજ ₹18.91 લાખ, ૨૧મી માર્ચના રોજ ₹8,78,414 અને ૨૨મી માર્ચ રવિવારના રોજ ₹4,14,713 ની આવક મહાનગરપાલિકાને થઈ છે.
૩૧ માર્ચ સુધી રજાના દિવસોમાં પણ કચેરીઓ કાર્યરત રહેશે
નાગરિકોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે મહાનગરપાલિકાએ આગામી રજાના દિવસોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. માર્ચ મહિનાની આગામી રજાઓ જેવી કે ૨૬ માર્ચ, ૨૮ અને ૨૯ માર્ચ તેમજ ૩૧ માર્ચના રોજ પણ મહાનગરપાલિકાની તમામ કચેરીઓ વેરો સ્વીકારવા માટે ખુલ્લી રહેશે. નગરજનો પોતાના ચાલુ વર્ષના કે અગાઉના વર્ષના બાકી લેણાં આ દિવસો દરમિયાન કોઈપણ અડચણ વગર જમા કરાવી શકશે.
૩૧ માર્ચ પહેલા વેરો ભરી જવાબદાર નાગરિક બનવા અનુરોધ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકત ધારકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા પોતાનો બાકી વેરો ચોક્કસપણે જમા કરાવી દે. સમયસર વેરો ભરવાથી નાગરિકો દંડકીય કાર્યવાહીથી બચી શકે છે અને આ નાણાંનો ઉપયોગ શહેરના વિકાસલક્ષી કામોમાં કરવામાં આવે છે. મનપા પ્રશાસન દ્વારા લેવામાં આવેલ આ પ્રજાલક્ષી નિર્ણયથી નોકરિયાત વર્ગ અને વેપારીઓને રજાના દિવસે પણ પોતાનો વહીવટ પૂર્ણ કરવાની ઉત્તમ તક મળી છે.

