23 એપ્રિલની મતદાન પૂર્વે ઉમરેઠમાં કડક વ્યવસ્થા, મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ઇવીએમ વેરહાઉસનું નિરીક્ષણ
આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી ૨૩મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાંગલેએ આણંદની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાથે બેઠક યોજીને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીએ આયોજનબદ્ધ કામગીરી પર ભાર મૂકતા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નોડલ અધિકારીઓની નિમણૂક અને સુરક્ષા વ્યવસ્થાનું સઘન આયોજન
જિલ્લા ચૂંટણી અધિકારીએ મુખ્ય નિર્વાચન અધિકારીને વાકેફ કર્યા હતા કે ઉમરેઠ પેટા ચૂંટણી માટે વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે એક્સપેન્ડિચર મોનિટરિંગ ટીમો સક્રિય છે. ઉમરેઠ નગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વાહનોનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત, ચૂંટણી ફરજમાં જોડાનાર કર્મચારીઓ માટે તાલીમ શિબિરો અને મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ પુરજોશમાં ચાલી રહ્યા છે જેથી શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરી શકાય.
ઇવીએમ વેરહાઉસની મુલાકાત અને એફ.એલ.સી. પ્રક્રિયાનું નિરીક્ષણ
સમીક્ષા દરમિયાન સંદીપ સાંગલેએ આણંદ સ્થિત ડેડિકેટેડ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી હતી. તેમણે ઇવીએમ મશીનોના પ્રથમ તબક્કાના ચેકિંગ એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) ની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ઉમરેઠ વિધાનસભાના ૩૦૬ મતદાન મથકો માટે જરૂરી મશીનોની ચકાસણી ભારતના ચૂંટણી પંચના નિયમો મુજબ કરવામાં આવી રહી છે. પેટા ચૂંટણીના નિયમ અનુસાર ૨૦૦ ટકા ઇવીએમ મશીનોનું એફ.એલ.સી. કરવાનું હોવાથી તંત્ર દ્વારા તે દિશામાં ઝીણવટભરી કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકીય પક્ષોની હાજરીમાં પારદર્શક ચેકિંગ અંગે સંતોષ
ઇવીએમ વેરહાઉસની મુલાકાત સમયે તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. મુખ્ય નિર્વાચન અધિકારીની હાજરીમાં રાજકીય પક્ષોએ ઇવીએમ મશીનોના પ્રથમ તબક્કાના ચેકિંગ અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન અને અન્ય વહીવટી અધિકારીઓ પણ જોડાયા હતા. પારદર્શક પદ્ધતિથી થતી આ કામગીરીને કારણે ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે રાજકીય પક્ષો અને જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

