અજિત પવાર વિમાન દુર્ઘટના: તપાસ માટે રોહિત પવાર મેદાનમાં, રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા મોતને લઈને રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે. તેમના ભત્રીજા અને એનસીપી (SP) નેતા રોહિત પવારે આ મામલે ન્યાયિક તપાસની માંગ તેજ કરી છે. ગુરુવારે સંસદ ભવન ખાતે રોહિત પવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને આ દુર્ઘટના પાછળના સત્યને બહાર લાવવા માટે સમર્થન માંગ્યું હતું.
તપાસમાં શિથિલતાના આક્ષેપો: નથી નોંધાઈ FIR
રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા રોહિત પવારે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “જાન્યુઆરીમાં થયેલી આ ભયાનક દુર્ઘટનાને આટલો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી આ મામલે કોઈ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી નથી. સરકાર ભલે દાવા કરતી હોય કે તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં સીબીઆઈ તપાસની સ્થિતિ શું છે તેની કોઈ સત્તાવાર માહિતી અમારી પાસે નથી.”
પરિવાર અને સત્તા પક્ષ પર ઉઠાવ્યા સવાલ
રોહિત પવારે અજિત પવારના પત્ની સુનેત્રા પવારની ભૂમિકા પર પણ આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “સુનેત્રા પવાર હાલ સત્તા પક્ષ સાથે છે અને સરકાર પર દબાણ લાવવું તેમના માટે સરળ છે. તેમ છતાં તપાસ કેમ આગળ નથી વધી રહી તે સમજાતું નથી. દરેકની પોતાની પ્રાથમિકતાઓ હોય છે, પરંતુ મારા માટે મારા કાકાને ન્યાય અપાવવો એ સૌથી મોટી જવાબદારી છે. મહારાષ્ટ્રની જનતા પણ ઈચ્છે છે કે તેમના લાડકા ‘અજિત દાદા’ સાથે શું થયું તેનું સત્ય સામે આવે.”
વિપક્ષી નેતાઓનું મળ્યું સમર્થન
રોહિત પવારે માત્ર રાહુલ ગાંધી જ નહીં, પરંતુ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ આ વિષય પર ચર્ચા કરી છે. રોહિતના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ લડાઈમાં તેમને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. રોહિત પવારે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાની પાર્ટીના આશીર્વાદ અને જનતાના સમર્થન સાથે આ કાનૂની અને રાજકીય લડાઈ ચાલુ રાખશે.

