કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ અનાજની ગેરકાયદેસર હેરફેર સામે કડક પગલાં
સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક ચેકિંગ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે, જે દર્શાવે છે કે સરકારી અનાજની ચોરી કરનારાઓ હવે બચી શકશે નહીં.
વઢવાણ-લખતર રોડ પર ફિલ્મી ઢબે ઓપરેશન
આ સફળ કામગીરીની વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત ૧૧ માર્ચ ૨૦26ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર હાઈવે પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસેથી પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી શંકાસ્પદ જણાતા તેને તુરંત અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ જ્યારે વાહનની તલાશી લીધી ત્યારે તેમાં મોટા પ્રમાણમાં અનાજ ભરેલું હોવાનું સામે આવ્યું હતું, જે કોઈ પણ માન્ય દસ્તાવેજ વગર લઈ જવામાં આવતું હતું.
લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો
પુરવઠા વિભાગની પૂછપરછ દરમિયાન વાહનચાલક અનાજના જથ્થા અંગે કોઈ પણ સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. તપાસમાં બહાર આવ્યું કે ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧ કિલોગ્રામ જેટલો જથ્થો ગેરકાયદેસર રીતે લઈ જવાતો હતો. આ કાર્યવાહીમાં અંદાજે ૬૨ હજાર રૂપિયાની કિંમતના ચોખા અને ૪ લાખ રૂપિયાનું વાહન મળી કુલ ૪.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ સીઝ કરવામાં આવ્યો છે.
કડક તપાસ અને ભવિષ્યની રણનીતિ
હાલમાં પુરવઠા વિભાગ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરવામાં આવી છે. આ અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. સામાન્ય જનતાના હકનું અનાજ કાળાબજારમાં ન જાય તે માટે તંત્ર દ્વારા દિવસ-રાત પેટ્રોલિંગ અને આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે.
