જાસૂદના ફૂલોની હર્બલ ટી: ગ્રીન ટી કરતા પણ છે વધુ ફાયદાકારક, જાણો ઘરે બનાવવાની રીત અને તેના અદભૂત લાભ
જો તમે ફિટ રહેવા માટે ગ્રીન ટી પીવાના શોખીન હોવ, તો તમારે એકવાર જાસૂદની ચા (Hibiscus Tea) ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. જાસૂદના લાલ ફૂલો માત્ર બગીચાની શોભા જ નથી વધારતા, પણ તે ઔષધીય ગુણોનો ખજાનો પણ છે. બજારમાં જાસૂદની ચાના ટી-બેગ્સ આસાનીથી મળે છે, પરંતુ જો તમારા ઘરે જાસૂદનો છોડ હોય તો તમે તાજા ફૂલોનો ઉપયોગ કરીને પણ આ હેલ્ધી ચા બનાવી શકો છો. આ ચા એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.
કેવી રીતે બનાવશો જાસૂદની ચા? (Recipe)
ઘરે તાજા ફૂલોમાંથી જાસૂદની ચા બનાવવી ખૂબ જ સરળ છે. નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:
- સામગ્રી: 2-3 તાજા જાસૂદના ફૂલ, 2 કપ પાણી અને જરૂર મુજબ મધ.
- રીત: સૌ પ્રથમ ફૂલોને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેની વચ્ચેનો દાંડી જેવો ભાગ અને પાછળનો લીલો ભાગ દૂર કરો. માત્ર લાલ પાંખડીઓનો જ ઉપયોગ કરો.
- એક તપેલીમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં જાસૂદની પાંખડીઓ નાખો.
- પાણીનો રંગ ઘટ્ટ લાલ થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
- આ ચાને ગાળી લો. આનો સ્વાદ થોડો ખાટો હોય છે, તેથી તમે સ્વાદ માટે તેમાં એક ચમચી મધ અથવા લીંબુનો રસ ઉમેરી શકો છો.
જાસૂદની ચા પીવાના સ્વાસ્થ્યપ્રદ ફાયદા
1. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલમાં રાહત:
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ જાસૂદની ચાના ફાયદા જણાવવામાં આવ્યા છે. આ ચા હાઈ બ્લડ પ્રેશર (Hypertension) ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે રક્તવાહિનીઓને આરામ આપે છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રો ઘટાડીને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
2. વજન ઘટાડવામાં અને બોડી ડિટોક્સમાં મદદરૂપ:
જાસૂદના ફૂલોમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ મેટાબોલિઝમને તેજ બનાવે છે. આ ચા પીવાથી શરીરમાં જમા થયેલું વધારાનું પાણી અને ક્ષાર બહાર નીકળી જાય છે, જેનાથી શરીર ડિટોક્સ થાય છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.
3. ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી:
જાસૂદની ગ્રીન ટી લો-કેલરી ડ્રિંક છે. તે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ સ્થિર રહે છે. ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ મુજબ આનું સેવન કરી શકે છે.
4. લિવર અને ત્વચા માટે ફાયદાકારક:
આ હર્બલ ટી લિવરને સ્વસ્થ રાખવામાં અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે એન્ટી-એજિંગ ગુણો ધરાવે છે, જે તમારી ત્વચા અને વાળની સુંદરતા જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે.
સેવન કરતી વખતે રાખવી આ સાવચેતી
આયુર્વેદ મુજબ જાસૂદની ચા ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરી શકે છે.
- દિવસમાં 1 થી 2 કપ થી વધુ ચા ન પીવી જોઈએ.
- ગર્ભવતી મહિલાઓ અથવા સ્તનપાન કરાવતી માતાઓએ આ ચા પીતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
- જો તમને લો-બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય, તો આ ચા ટાળવી જોઈએ કારણ કે તે બીપી ઘટાડવાનું કામ કરે છે.

