અમેરિકા-ઈરાન જંગનો માર: શું તમારા મહિનાનું બજેટ ખોરવાઈ જશે?
જ્યારે આપણે કોઈ યુદ્ધના સમાચાર સાંભળીએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આ ઘટનાઓ સીમા પાર કે દૂરના દેશોમાં બની રહી છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે આજના વૈશ્વિકરણના યુગમાં દુનિયાના કોઈપણ ખૂણે થતો સંઘર્ષ સીધી રીતે આપણા ઘરના બજેટને અસર કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને પંદર દિવસ જેવો સમય થઈ ગયો છે, અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા મહત્વના જળમાર્ગો પર જે અનિશ્ચિતતા ઊભી થઈ છે, તેની ગંભીર અસરો હવે ભારતીય બજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
કાચા તેલના ભાવ અને મોંઘવારીનું ગણિત
ક્રૂડ ઓઈલ એટલે કે કાચું તેલ એ વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન છે. જો કાચા તેલની કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલની સપાટીને ઓળંગી જાય, તો ભારત જેવા આયાતકાર દેશ માટે સ્થિતિ વધુ કપરી બની શકે છે. માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પણ રોજિંદા જીવનમાં વપરાતી અસંખ્ય વસ્તુઓ ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે. નિષ્ણાતોનું માનવું છે કે જો યુદ્ધ લાંબું ખેંચાય, તો નાણાકીય વર્ષ ૨૦૨૭માં ભારતમાં મોંઘવારીનો દર વધવો નિશ્ચિત છે. ચાલો સમજીએ કે આ અસર કયા કયા સેક્ટરમાં જોવા મળી શકે છે.
પેઇન્ટ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ
તમે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે દીવાલ પર કરવાનો પેઇન્ટ કે સવારે વપરાતું સાબુ ક્રૂડ ઓઈલ સાથે જોડાયેલું હોઈ શકે છે. હકીકતમાં, પેઇન્ટ બનાવવાની કુલ પડતરમાં ૬૦% ખર્ચ ક્રૂડ ઓઈલમાંથી બનતા કેમિકલ્સનો હોય છે. જો તેલ મોંઘું થાય તો એપ્રિલ મહિનાથી પેઇન્ટના ભાવમાં ૨% થી ૫% સુધીનો વધારો થઈ શકે છે. તેવી જ રીતે, સાબુ, શેમ્પૂ અને ડિટર્જન્ટમાં વપરાતા કેમિકલ્સ અને તેની પ્લાસ્ટિક પેકેજિંગ સામગ્રી (HDPE અને PET) પણ પેટ્રોલિયમ પેદાશો છે. આ તમામ વસ્તુઓની પ્રોડક્શન કોસ્ટ વધી રહી છે, જેનો બોજ અંતે ગ્રાહકોએ જ ભોગવવો પડશે.
ખાધ્ય તેલ અને પેકેજ્ડ ફૂડ
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ બે-તૃતીયાંશ ખાધ્ય તેલ આયાત કરે છે. યુદ્ધની સ્થિતિમાં દરિયાઈ માર્ગો બંધ થવા કે જહાજોની અવરજવરમાં વિલંબ થવાને કારણે લોજિસ્ટિક્સ ખર્ચ વધી જાય છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ પામ ઓઈલના ભાવમાં ૪% જેવો ઉછાળો જોવા મળ્યો છે. નમકીન અને બિસ્કિટ બનાવતી કંપનીઓ માટે આ એક મોટો ફટકો છે, કારણ કે તેમની કુલ પડતરમાં પામ ઓઈલનો હિસ્સો નોંધપાત્ર હોય છે. પરિણામે, તમારા મનપસંદ સ્નેક્સના ભાવ પણ વધી શકે છે.
કપડાં અને ઓટોમોબાઇલ ઉદ્યોગ
આજે આપણે જે સિન્થેટિક કપડાં પહેરીએ છીએ (જેમ કે યોગા પેન્ટ, સ્પોર્ટ્સ જર્સી), તે પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. આ સેક્ટરનો ૭૦-૮૦% ખર્ચ સીધો તેલના ભાવ સાથે જોડાયેલો છે. આવી જ રીતે ઓટોમોબાઇલ સેક્ટરમાં ટાયર બનાવવાની વાત કરીએ તો, સિન્થેટિક રબર અને કાર્બન બ્લેક જેવા પદાર્થો ક્રૂડ ઓઈલમાંથી જ મળે છે. ટાયર ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં સામાન્ય ટાયરના ભાવમાં ૧.૫% થી ૨% અને ખાસ કેટેગરીના ટાયરમાં ૩% થી ૮% સુધીનો ભાવ વધારો જોવા મળી શકે છે.
હવાઈ ભાડામાં પણ થશે વધારો
તમે નોંધ્યું હશે કે તાજેતરમાં ફ્લાઈટના ટિકિટના ભાવમાં વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ‘એર ટર્બાઇન ફ્યુઅલ’ (ATF) ના ભાવમાં થયેલો વધારો છે. એર ઈન્ડિયા, ઈન્ડિગો અને અન્ય એરલાઈન્સ હવે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર ‘ફ્યુઅલ સરચાર્જ’ વસૂલી રહી છે. વેસ્ટ એશિયાના સંકટને લીધે વિમાનનું ઈંધણ મોંઘું થયું છે, જેનો સીધો માર પ્રવાસીઓના ખિસ્સા પર પડી રહ્યો છે.
કપનીઓની મજબૂરી અને ગ્રાહકોની સ્થિતિ
અત્યારે ઘણી કંપનીઓ આ વધતી જતી કોસ્ટને પોતાની ઉપર લેવાનો પ્રયાસ કરી રહી છે, જેથી ગ્રાહકો પર એકસાથે બોજ ન પડે. પરંતુ કંપનીઓ પણ આર્થિક રીતે લાંબો સમય નુકસાન સહન કરી શકે નહીં. માર્ચ મહિના સુધી કંપનીઓ રાહ જોઈ રહી છે કે સ્થિતિમાં સુધારો આવે, પરંતુ જો યુદ્ધ ન અટક્યું તો એપ્રિલ મહિનાથી બજારમાં ઘણી બધી વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળશે. એક સામાન્ય ગ્રાહક તરીકે, આપણે આ અણધારી મોંઘવારી સામે બચત અને સ્માર્ટ ખરીદીના રસ્તા શોધવા પડશે.

