૧૨ લાખ કરોડની સંપત્તિ છતાં વોરન બફેટે કેમ કહ્યું કે તેઓ ‘નસીબદાર’ છે? જાણો સક્સેસ મંત્ર
વૈશ્વિક શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને બર્કશાયર હેથવેના ભૂતપૂર્વ સીઈઓ વોરન બફેટે (Warren Buffett) પોતાની અકલ્પનીય સફળતા પાછળ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લગભગ નવ દાયકાથી રોકાણની દુનિયામાં સફળતાના શિખરો સર કરનાર ૯૫ વર્ષીય બફેટે સ્વીકાર્યું છે કે તેમની આશરે ૧૪૭ અબજ ડોલર (લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિ પાછળ માત્ર તેમનું કૌશલ્ય કે સખત મહેનત જ નહીં, પરંતુ નસીબ અને સંજોગોએ પણ બહુ મોટી ભૂમિકા ભજવી છે.

“જો પિતા પ્લમ્બર હોત તો…”
પોતાના જીવનના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટનો ઉલ્લેખ કરતા વોરન બફેટે જણાવ્યું હતું કે, તેમને ખૂબ નાની ઉંમરે રોકાણની દુનિયાની ઓળખ થઈ હતી, અને તેની પાછળ તેમના પિતા હોવર્ડ હોમન બફેટ હતા, જેઓ પોતે એક સ્ટોકબ્રોકર હતા.
બફેટે અત્યંત વિનમ્રતા સાથે કહ્યું, “હું નસીબદાર હતો કે અકસ્માતે જ મને નાની વયે મારી પસંદગીનું કામ કરવાની તક મળી. પણ જો મારા પિતા એક પ્લમ્બર હોત, તો હું આજે જે સ્થાને છું ત્યાં ક્યારેય પહોંચી શક્યો ન હોત.” નોંધનીય છે કે બફેટે માત્ર ૧૧ વર્ષની ઉંમરે પોતાનો પહેલો શેર ખરીદ્યો હતો, જ્યાંથી તેમની આ ઐતિહાસિક રોકાણ યાત્રા શરૂ થઈ હતી.
ઓવેરિયન લોટરી અને નસીબનું મહત્વ
ઓમાહાના જાદુગર (Oracle of Omaha) તરીકે જાણીતા બફેટ લાંબા સમયથી ‘ઓવેરિયન લોટરી’ (Ovarian Lottery) ની થીયરી પર ભાર મૂકતા આવ્યા છે. તેમના મતે વ્યક્તિ ક્યાં જન્મે છે, કયા પરિવારમાં અને કયા સંજોગોમાં ઉછરે છે તે બાબતો તેના વ્યક્તિગત પ્રયાસો કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે.
વર્ષ ૨૦૨૪ માં રોકાણકારોને લખેલા તેમના વાર્ષિક પત્રમાં પણ તેમણે કબૂલ્યું હતું કે અમેરિકામાં જન્મ થવો અને તે સમયના સામાજિક ફાયદાઓ મળવાને કારણે તેમને નાની વયથી જ અમીર બનવાનો આત્મવિશ્વાસ મળ્યો હતો.

ચેરિટી અને ડોનેશનની રણનીતિમાં મોટો ફેરફાર
વિશ્વના ૧૦મા સૌથી ધનિક વ્યક્તિ એવા વોરન બફેટે વર્ષ ૨૦૧૦માં પોતાની ૯૯% સંપત્તિ દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. જોકે, તાજેતરમાં તેમણે તેમના વાર્ષિક દાનની નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. પાછલા બે દાયકાથી ગેટ્સ ફાઉન્ડેશનને (Bill & Melinda Gates Foundation) કરોડો ડૉલરનું દાન આપતા બફેટે આ વર્ષથી તેમને ફંડ આપવાનું બંધ કર્યું છે.
તેના બદલે, બફેટે તેમની સંપત્તિ પોતાના પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટો જેવાં કે ‘સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશન’, ‘શેરવુડ ફાઉન્ડેશન’ અને ‘નોવો ફાઉન્ડેશન’ ને આપવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અંગે વાત કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે બિલ ગેટ્સને આ અંગે અગાઉથી જાણ કરી દીધી હતી. બિલ ગેટ્સ સાથે જોડાયેલા વિવાદો અંગે પૂછવામાં આવતા બફેટે સહજતાથી કહ્યું હતું કે, “દરેક માનવીથી નિર્ણયો લેવામાં ભૂલ થઈ શકે છે, મારેથી પણ ભૂતકાળમાં લોકોની પસંદગીમાં ભૂલો થઈ છે.”
૨૦૩૪ સુધીમાં તમામ સંપત્તિના નિકાલનું આયોજન
બફેટે જાહેરાત કરી છે કે તેમના અવસાન બાદ તેમની બાકી રહેલી સંપત્તિના દાન અને ઉપયોગની તમામ જવાબદારી તેમના ત્રણેય સંતાનો સંભાળશે. તેમણે આ પ્રક્રિયા ઝડપી બનાવતા જણાવ્યું છે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૩૪ સુધીમાં એટલે કે આગામી ૮ વર્ષની અંદર જ તેમની તમામ સંપત્તિનું યોગ્ય ચેરિટી કામે વિતરણ કરી દેવામાં આવશે.