આણંદના વિવિધ ગામોમાં ખાણ ખનીજ વિભાગની આકસ્મિક તપાસ, 88 ડમ્પર અને 16 એક્સ્કાવેટર સહિત સાધનો જપ્ત
આણંદ જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન અટકાવવા માટે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મે ૨૦૨૫ થી નવેમ્બર ૨૦૨૫ દરમિયાન જિલ્લાના વિવિધ ખનીજસભર વિસ્તારો જેવા કે ખાનપુર, વાસદ, બોરસદ, રાજુપુરા અને ઈન્દ્રણજ સહિતના અનેક ગામોમાં ખાણ ખનીજ વિભાગની ટીમોએ આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ તપાસનો મુખ્ય હેતુ નદીના પટ અને અન્ય વિસ્તારોમાં થતા બિનઅધિકૃત ખનન, સંગ્રહ અને વહનને અટકાવી સરકારી મિલકતનું રક્ષણ કરવાનો છે.
કરોડોનો મુદ્દામાલ જપ્ત અને મોટી રકમની દંડકીય વસૂલાત
ખાણ ખનીજ વિભાગની આ સતત સાત મહિના લાંબી કાર્યવાહી દરમિયાન મોટા પાયે મશીનરી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસણી દરમિયાન કુલ ૮૮ ડમ્પર, ૧૬ એક્સ્વેટર મશીન અને નદીમાંથી ખનીજ કાઢવા માટે વપરાતી ૧૧ નાવડીઓ (ચાઇના અને યાંત્રિક) પકડાઈ છે. જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત ૧૬.૬૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને કુલ ૧૧૫ કેસ નોંધવામાં આવ્યા હતા, જે અંતર્ગત અત્યાર સુધીમાં ૨.૫૨ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરી સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યો છે.
બિનઅધિકૃત ખનીજ પ્રવૃત્તિઓ પર સતત વોચ
જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખનીજ માફિયાઓ સામેની આ લડત આગામી સમયમાં પણ જારી રહેશે. વાસદ-ભેટાસી, સુંદલપુરા અને લાલપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિભાગની ટીમો આધુનિક ટેકનોલોજી અને આકસ્મિક તપાસ દ્વારા સતત નજર રાખી રહી છે. આ કામગીરીનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો જ નથી, પરંતુ ખનીજ સંપત્તિનું ગેરકાયદે દોહન અટકે અને પર્યાવરણની જાળવણી થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને તંત્રની કડક ચેતવણી
આણંદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જિલ્લાના તમામ ખનન અને વહન સાથે સંકળાયેલા લોકોને કડક તાકીદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ સરકારની પરવાનગી વગર ખનીજનું ખનન, સંગ્રહ કે પરિવહન કરવું નહીં. જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તો તેનો સામાન અને વાહનો જપ્ત કરી લેવામાં આવશે અને તેમની સામે ભારે દંડ સાથેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
