LPG સિલિન્ડર માટે ભારે ખેંચતાણ: દેશભરમાં જમાખોરો વિરુદ્ધ સરકારનું મેગા ઓપરેશન, હજારો સિલિન્ડર જપ્ત
મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ લાંબુ ખેંચાતા તેની અસર હવે ભારતમાં ઈંધણના પુરવઠા પર જોવા મળી રહી છે. દેશમાં LPG સિલિન્ડરનું સંકટ ઘેરું બન્યું છે. એક તરફ સામાન્ય જનતા કલાકો સુધી લાઈનોમાં ઊભી રહીને ખાલી હાથે પરત ફરી રહી છે, તો બીજી તરફ કેટલાક જમાખોરો તકનો લાભ ઉઠાવી સિલિન્ડર છુપાવી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર હવે એક્શન મોડમાં આવી છે.
ભોપાલમાં હજારો સિલિન્ડરનો જથ્થો ઝડપાયો
મધ્યપ્રદેશના ભોપાલમાં વહીવટીતંત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં એક બંધ પડેલી ગેસ એજન્સી પર દરોડો પાડીને પોલીસે 668 સિલિન્ડર જપ્ત કર્યા છે. એટલું જ નહીં, રજીસ્ટરમાં નોંધણી વગરના 1574 સિલિન્ડર પણ મળી આવ્યા છે. આ એજન્સી સંકટના સમયે સિલિન્ડરોની કાળાબજારી કરીને તેને ઊંચા ભાવે વેચી રહી હોવાનું બહાર આવ્યું છે.
મુંબઈના રેસ્ટોરન્ટ્સમાં ચૂલાનો યુગ પાછો આવ્યો
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ LPG સંકટની અસર વર્તાઈ રહી છે. વર્લી વિસ્તારમાં દરોડા પાડીને વહીવટીતંત્રે અનેક ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડર જપ્ત કર્યા છે. ગેસની અછતને કારણે મુંબઈના પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ હવે કોલસા અને લાકડાના ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. કેટલાક મોટા રેસ્ટોરન્ટ્સ તો ગેસના અભાવે બંધ થઈ ગયા છે.
ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં કડક કાર્યવાહી
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ વહીવટીતંત્ર સતર્ક છે. મુરાદાબાદમાં હેરાફેરીની ફરિયાદ બાદ એક ગેસ એજન્સીનું ગોદામ સીલ કરવામાં આવ્યું છે. નોઈડામાં પણ લોકો સિલિન્ડર માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ, છત્તીસગઢમાં 102 સ્થળોએ દરોડા પાડીને કુલ 741 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ કાર્યવાહી રાયપુરમાં થઈ છે.
લોકોમાં ઉચાટ અને સરકારની અપીલ
ઓનલાઈન બુકિંગ હોવા છતાં સિલિન્ડર ન મળતા હોવાથી લોકો નોકરી-ધંધા છોડીને વહેલી સવારથી ગેસ એજન્સીઓ બહાર લાઈનો લગાવી રહ્યા છે. જોકે, ભારત સરકારે જનતાને ‘પેનિક બુકિંગ’ ન કરવા વિનંતી કરી છે. સરકારનું કહેવું છે કે જમાખોરી અને કાળાબજારીને રોકવા માટે પોલીસ અને વહીવટીતંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે અને આગામી દિવસોમાં પુરવઠો સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે.

