MS Dhoni રમી રહ્યા છે છેલ્લી IPL? પૂર્વ ક્રિકેટરના નિવેદને ક્રિકેટ જગતમાં મચાવી સનસનાટી!
એમએસ ધોની હવે વર્ષમાં માત્ર ગણીગાંઠી મેચો રમતા જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તે માત્ર આઈપીએલ (IPL) માં જ મેદાનમાં ઉતરે છે. દર વર્ષે ચાહકોને એવું લાગે છે કે આ તેની છેલ્લી સીઝન હશે, અને IPL 2026 ને લઈને પણ આવી જ અટકળો તેજ થઈ છે. આ દરમિયાન એક પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીના નિવેદને ધોનીના નિવૃત્તિના સમાચારને ફરી હવા આપી છે.
શું 2026માં ધોની છેલ્લી વખત મેદાન પર દેખાશે?
IPL 2026 ની શરૂઆત થવાને હવે માંડ બે અઠવાડિયા બાકી છે. આ એ સમય છે જ્યારે દુનિયાભરના ફેન્સ પોતાના ફેવરિટ ‘થાલા’ને જોવા આતુર હોય છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ધોનીના ભવિષ્ય અંગે મોટું નિવેદન આપ્યું છે.
એક સ્પોર્ટ્સ શોમાં વાત કરતા પઠાણે કહ્યું, “CSK ની ટીમ એમએસ ધોની વિના અધૂરી છે. કદાચ આ છેલ્લી વખત હશે જ્યારે આપણે તેને પીળી જર્સીમાં મેદાન પર રમતા જોઈશું. CSK અને IPL વિશે તેના વિના વિચારવું ખૂબ જ મુશ્કેલ છે. આ વખતે તે સંપૂર્ણપણે ફિટ અને તૈયાર દેખાઈ રહ્યો છે, જે ચાહકો માટે સારા સમાચાર છે.”
યુવા નેતૃત્વ તૈયાર કરવામાં ધોનીની ભૂમિકા
ઈરફાન પઠાણનું માનવું છે કે ધોની આ સીઝનમાં માત્ર એક ખેલાડી તરીકે જ નહીં, પરંતુ એક માર્ગદર્શક તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવશે. પઠાણે ઉમેર્યું કે, “આ સીઝનમાં ધોની ટીમના તમામ સભ્યોને એકજૂથ રાખવામાં મહત્વનો રોલ ભજવશે. તે આ વખતે કેટલી મેચ રમશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ડ્રેસિંગ રૂમમાં તેની હાજરી જ ટીમ માટે મોટી તાકાત છે.”
તેણે વધુમાં જણાવ્યું કે, રુતુરાજ ગાયકવાડ ભલે કેપ્ટન હોય, પરંતુ ધોની ભવિષ્યના લીડર્સ તૈયાર કરવામાં મદદ કરશે. સંજુ સેમસન જેવા ખેલાડીઓ પણ જ્યારે લીડરશિપ ગ્રુપનો ભાગ બનશે, ત્યારે તેમને ધોનીના અનુભવનો સીધો ફાયદો મળશે.
છઠ્ઠી ટ્રોફી સાથે ભવ્ય વિદાયની તૈયારી
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નું મેનેજમેન્ટ આ વખતે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય ધોનીને છઠ્ઠી IPL ટ્રોફી જીતાડીને એક શાનદાર વિદાય આપવાનો છે. જોકે, ધોનીનો બેટિંગ ઓર્ડર અને તેની ફિટનેસ હજુ પણ ચર્ચાનો વિષય રહેશે, પરંતુ CSK મેનેજમેન્ટ એક-એક ડગલું ભરીને આ સીઝનને યાદગાર બનાવવા માંગે છે.

