સ્કાઉટ્સ-ગાઈડ્સ રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ દેવવ્રતજીનો સંદેશ: શિસ્ત, વ્યસનમુક્તિ અને પરોપકારથી જ જીવનમાં સાચી સફળતા
ગાંધીનગરના લોકભવન ખાતે આયોજિત ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ’ના વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેજસ્વી બાળકોને પુરસ્કારો આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે યુવા પેઢીને મોબાઈલ અને ટીવીના આકર્ષણમાંથી બહાર આવી શિસ્તબદ્ધ જીવન જીવવા પ્રેરણા આપી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે બાળપણમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા સેવાકીય કાર્યો સાથે જોડાવાથી ઉત્તમ સ્વભાવનું નિર્માણ થાય છે, જે જીવનના અંતિમ શ્વાસ સુધી વ્યક્તિની સાથે રહે છે.
ભાવનાત્મક નિયંત્રણ અને ભૂલ સ્વીકારવાની હિંમત
કિશોરાવસ્થાની સંવેદનશીલતા વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું કે આ ઉંમરે હૃદય કરતાં મગજથી વધુ વિચારવું જોઈએ. જે બાળક પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખી વિવેકબુદ્ધિથી નિર્ણય લે છે, તે જ સફળતાના શિખરો સર કરી શકે છે. તેમણે બાળકોને નિર્ભય બનીને પોતાની ભૂલો સ્વીકારવા શીખ આપી હતી. ભૂલને છુપાવવી એ અપરાધના માર્ગે જવાનું પ્રથમ પગલું છે, તેથી કોઈ પણ ભૂલ થાય તો માતા-પિતા કે ગુરુજનોને જણાવી દેવી જોઈએ જેથી મનનો બોજ હળવો થાય.
કર્મ અને પરિશ્રમ જ સફળતાની સાચી ચાવી
રાજ્યપાલશ્રીએ ‘કર્મ જ ધર્મ’ના સૂત્રને સમજાવતા કહ્યું કે આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. જેવી રીતે જંગલના રાજા સિંહને પણ શિકાર માટે પરિશ્રમ કરવો પડે છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓએ પણ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધવા માટે સખત મહેનત કરવી અનિવાર્ય છે. તપસ્વી જીવન અને નિષ્ઠાપૂર્વકની મહેનત જ જીવનમાં અશક્યને શક્ય બનાવે છે. આ તકે તેમણે વ્યસનમુક્તિ અને માતાના હાથે બનેલા શુદ્ધ આહાર પર ભાર મૂકી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
સ્કાઉટ્સ-ગાઈડ્સ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણ
કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યપાલશ્રીના પ્રજાલક્ષી કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે રાજ્યમાં અંદાજે 40,000 સ્કાઉટ્સ-ગાઈડ્સ કાર્યરત છે. વર્ષ 2025-26 માટે કુલ 1,872 સ્કાઉટ-ગાઈડ્સે રાજ્ય પુરસ્કાર મેળવી ગૌરવ વધાર્યું છે. આ સંસ્થા જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર બાળકોમાં શિસ્ત, સેવા અને રાષ્ટ્રભાવ જેવા ગુણોનું સિંચન કરે છે. અમદાવાદમાં નિર્માણ પામી રહેલા નવા ‘કોમ્યુનિટી હોલ’ અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ આગામી સમયમાં યુવા શક્તિને વધુ સંગઠિત કરશે.


