RCBનો સ્ટાર બોલર યશ દયાળ લગ્નના બંધનમાં બંધાયો, કન્ટેન્ટ ક્રિએટર શ્વેતા પુંડીર સાથે લીધા સાત ફેરા
આઈપીએલ 2026ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ફાસ્ટ બોલર યશ દયાળે પોતાની જિંદગીની નવી ઇનિંગની શરૂઆત કરી છે. યશ દયાળે જાણીતી સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર શ્વેતા પુંડીર સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
નોઈડામાં યોજાયો ખાનગી લગ્ન સમારોહ
યશ દયાળ અને શ્વેતાના લગ્ન 4 ફેબ્રુઆરીના રોજ નોઈડામાં યોજાયા હતા. આ લગ્નની વિગતો અત્યાર સુધી ખૂબ જ ગોપનીય રાખવામાં આવી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. ક્રિકેટ જગતના ચાહકો આ નવદંપતીને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે.
વિવાદોમાં રહ્યું હતું નામ
લગ્નના આ આનંદી સમાચાર વચ્ચે યશ દયાળનું નામ ભૂતકાળમાં ગંભીર વિવાદોમાં પણ આવી ચૂક્યું છે. ગત વર્ષે તેના પર યૌન શોષણના ગંભીર આરોપો લાગ્યા હતા. જયપુરની એક સગીરાએ તેના પર બ્લેકમેલિંગ અને બળાત્કારનો આરોપ લગાવી FIR નોંધાવી હતી. આ ઉપરાંત ગાઝિયાબાદની એક મહિલાએ પણ તેની સામે લગ્નની લાલચ આપી શારીરિક શોષણની ફરિયાદ કરી હતી. જોકે, આ તમામ વિવાદો વચ્ચે હવે તેણે શ્વેતા સાથે જીવનના નવા પ્રકરણની શરૂઆત કરી છે.
કોણ છે યશ દયાળની પત્ની શ્વેતા પુંડીર?
શ્વેતા પુંડીર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય નામ છે. તે દિલ્હીની રહેવાસી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. શ્વેતા એક આર્ટિસ્ટ, કન્ટેન્ટ ક્રિએટર અને વ્લોગર છે. તેણે અગાઉ ઈન્ટરકોન્ટિનેન્ટલ લિજેન્ડ્સ લીગમાં બ્રોડકાસ્ટર્સ સાથે પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર તેની સ્ટાઈલ અને વીડિયો ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
IPL 2026 માં RCB માટે રમશે
ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, આરસીબીએ યશ દયાળને આઈપીએલ 2026 માટે 5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. યશ દયાળે 2022માં ગુજરાત ટાઇટન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. 2023માં રિંકુ સિંઘે તેની એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા બાદ તે ખૂબ ચર્ચામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે શાનદાર વાપસી કરી પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું હતું, જોકે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.

