ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી કેમ આપી? એસ. જયશંકરે કર્યો મોટો ખુલાસો
ઈરાને તાજેતરમાં ભારતના બે મહત્વના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની પરવાનગી આપી છે. વૈશ્વિક તણાવ વચ્ચે આ ઘટનાને ભારતની એક મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે. આ સફળતા બાદ હવે એવી પણ આશા જાગી છે કે પર્સિયન ગલ્ફમાં ફસાયેલા બાકીના 22 જહાજોને પણ ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની લીલી ઝંડી મળી જશે.
ગુજરાતના બંદરો પર પહોંચશે LPG થી લદાયેલા જહાજો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની કડકાઈ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અંદાજે 92,712 ટન LPG લઈને આવી રહેલા બે ભારતીય જહાજો પૈકી ‘શિવાલિક’ આજે બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચશે. જ્યારે બીજું જહાજ ‘નંદા દેવી’ 17 માર્ચના રોજ કંડલા બંદરે પહોંચવાની ધારણા છે. આ જહાજો તે 24 જહાજોની યાદીમાં સામેલ હતા જે યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં અટવાઈ પડ્યા હતા.
વિદેશ મંત્રી એસ. જયશંકરનો ખુલાસો
બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા પહોંચેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સફળતા પાછળની રણનીતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, “હું સતત ઈરાન સાથે વાતચીત કરી રહ્યો છું અને આ વાતચીતના હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. ભારતના દૃષ્ટિકોણથી તે વધુ સારું છે કે આપણે તર્ક અને સંકલન દ્વારા ઉકેલ શોધીએ. જો આપણી આ પદ્ધતિથી વિશ્વના અન્ય દેશોને પણ મદદ મળે છે, તો તે પૃથ્વી માટે વધુ સારું રહેશે.”
‘દરેક સંબંધની પોતાની ખૂબી હોય છે’
જ્યારે એસ. જયશંકરને પૂછવામાં આવ્યું કે શું યુરોપિયન દેશો પણ ભારતની આ પદ્ધતિ અનુસરી શકે છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “ચોક્કસ, દરેક દેશના સંબંધો પોતાની ખૂબીઓ પર ટકેલા હોય છે. મારા માટે ભારત-ઈરાન સંબંધોની તુલના અન્ય કોઈ સંબંધો સાથે કરવી મુશ્કેલ છે. અમે જે કરી રહ્યા છીએ તે અન્ય દેશો સાથે શેર કરવામાં અમને આનંદ થશે. હું જાણું છું કે ઘણા દેશોએ તેહરાન સાથે સીધી વાતચીત પણ કરી છે.”
ભારત અને ઈરાન વચ્ચેના ગાઢ સંબંધો
એસ. જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય જહાજો માટે ઈરાન સાથે કોઈ ‘બ્લેન્કેટ એરેન્જમેન્ટ’ (સામાન્ય કરાર) કરવામાં આવ્યો નથી. દરેક જહાજની અવરજવર એક સ્વતંત્ર ઘટના છે. તેમણે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે આ મંજૂરીના બદલામાં ઈરાનને કંઈક આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “આ કોઈ લેવડ-દેવડનો મુદ્દો નથી. ભારત અને ઈરાન વચ્ચે જૂનો ઐતિહાસિક સંબંધ છે. મિડલ ઈસ્ટનો સંઘર્ષ કમનસીબ છે, પરંતુ આ એક સ્વાગત યોગ્ય ડેવલપમેન્ટ છે. હજુ પણ ઘણા જહાજો ત્યાં ફસાયેલા છે, તેથી વાતચીત ચાલુ રહેશે.”

