સાઉદી અરેબિયાની ભારત સાથે અતૂટ મિત્રતા: ઈરાન જંગ વચ્ચે લાલ સમુદ્રના રસ્તે ભારત પહોંચશે લાખો બેરલ તેલ
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પર સંકટના વાદળો ઘેરાયા છે. આ દરિયાઈ માર્ગ અસુરક્ષિત બનતા ભારત માટે તેલના પુરવઠાને લઈને ચિંતા વધી હતી. જોકે, સાઉદી અરેબિયાએ ભારતની મદદ માટે વૈકલ્પિક રસ્તો અપનાવ્યો છે. સાઉદીએ હવે લાલ સમુદ્ર (Red Sea) ના માર્ગે ભારતને કાચું તેલ મોકલવાનું શરૂ કર્યું છે. સાઉદીના યાનબુ પોર્ટ પરથી તેલ ભરેલા ટેન્કરો ભારત આવવા રવાના થઈ ચૂક્યા છે.
60 લાખ બેરલ તેલ સાથે 4 ટેન્કરો રવાના
‘કેપ્લર’ (Kepler) ના રિપોર્ટ અનુસાર, હાલમાં 4 મોટા ટેન્કરો ભારત તરફ આવી રહ્યા છે, જેમાં અંદાજે 60 લાખ બેરલ કાચું તેલ છે. આ મહિનાના અંત સુધીમાં વધુ 90 લાખથી 1 કરોડ બેરલ વધારાનું તેલ આવવાની શક્યતા છે. સામાન્ય રીતે વિશ્વના કુલ તેલ વેપારનો 20 ટકા હિસ્સો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, પરંતુ ઈરાન દ્વારા જહાજો પર થઈ રહેલા હુમલાઓને કારણે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો છે.
પાઈપલાઈન દ્વારા યાનબુ પોર્ટ સુધી પહોંચાડાય છે તેલ
સાઉદી અરેબિયા તેના પૂર્વ કિનારેથી તેલને 1200 કિલોમીટર લાંબી પાઈપલાઈન દ્વારા પશ્ચિમ કિનારે આવેલા યાનબુ પોર્ટ સુધી પહોંચાડે છે. ત્યાંથી ટેન્કરોમાં તેલ ભરીને લાલ સમુદ્રના રસ્તે ભારત મોકલવામાં આવે છે. જોકે, આ પાઈપલાઈનની ક્ષમતા હોર્મુઝના માર્ગે મોકલાતા તેલ જેટલી નથી, છતાં વર્તમાન કટોકટીમાં તે ભારત માટે મોટી રાહત સમાન છે. આનાથી ભારતમાં તેલની અછત નહીં સર્જાય અને સામાન્ય જનતાને ભાવવધારાથી રક્ષણ મળશે.
લાલ સમુદ્રમાં ‘બાબ અલ-મંડેબ’ નું જોખમ
વૈકલ્પિક રસ્તો હોવા છતાં લાલ સમુદ્રનો માર્ગ પણ સંપૂર્ણ સુરક્ષિત નથી. આ માર્ગમાં ‘બાબ અલ-મંડેબ’ (Bab al-Mandab) પાસે હૂથી બળવાખોરો દ્વારા જહાજો પર હુમલાનું જોખમ રહેલું છે. આમ છતાં, હોર્મુઝની સરખામણીમાં આ રસ્તો અત્યારે વધુ વ્યવહારુ જણાઈ રહ્યો છે.
અમેરિકાની જવાબી કાર્યવાહી
દરમિયાન, અમેરિકાએ પણ દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા માટે આક્રમક વલણ અપનાવ્યું છે. મંગળવારે (17 માર્ચ 2026) અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે આવેલા ઈરાનના એન્ટી-શિપ મિસાઈલ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. અમેરિકાનો ઉદ્દેશ્ય આ વ્યૂહાત્મક માર્ગ પરથી ઈરાનનું નિયંત્રણ ઓછું કરવાનો અને આંતરરાષ્ટ્રીય તેલ પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.

