ઓક્સીજન પાર્કથી લઈને ITI બિલ્ડિંગ સુધી, જામનગરમાં વિકાસના નવા આયામ સ્થાપિત થશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૯ માર્ચના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગર શહેર અને જિલ્લાને અંદાજે રૂ. ૪૧,૨૬૧ લાખના ખર્ચે તૈયાર થનારા ૫૭ જેટલા વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપશે. મુખ્યમંત્રી સવારે જામનગર એરપોર્ટ પર આગમન બાદ હાપા એપીએમસી (APMC) ખાતે ખેડૂતોને સંબોધિત કરશે અને ત્યારબાદ ટાઉનહોલ ખાતેથી વિવિધ વિભાગોના કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યોમાં ૨૮ કામોનું ખાતમુહૂર્ત અને ૨૯ કામોનું લોકાર્પણ સામેલ છે, જે જામનગરના શહેરી અને ગ્રામ્ય માળખાને વધુ મજબૂત બનાવશે.
ખેડૂતો માટે સસ્તી કેન્ટીન અને જામનગરમાં ગૌરવપથનું નિર્માણ
હાપા એપીએમસી ખાતે ખેડૂતોની સુવિધા માટે રૂ. ૮૫ લાખના ખર્ચે અત્યાધુનિક એસી કેન્ટીન બનાવવામાં આવી છે, જ્યાં ખેડૂતોને માત્ર ૩૫ રૂપિયાના રાહત દરે શુદ્ધ ભોજન મળી રહેશે. આ સાથે જ ૬૫ લાખના ખર્ચે નવનિર્મિત ગેસ્ટ હાઉસનું પણ લોકાર્પણ કરાશે. શહેરના વિકાસની વાત કરીએ તો, પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ‘ગૌરવપથ’ તરીકે વિકસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૦ MLD ક્ષમતાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઈપલાઈન નેટવર્ક અને વિવિધ ગામોમાં નવા સબ સેન્ટરોનું લોકાર્પણ કરીને જનતાની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે.
‘યોગિક ચક્ર’ થીમ આધારિત અનોખો ઓક્સિજન પાર્ક
જામનગરના શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અંબા વિજય સોસાયટી પાસે રૂ. ૧૪૪.૮૫ લાખના ખર્ચે ‘ઓક્સિજન પાર્ક’નું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા દાનમાં આપેલી જગ્યા પર બનનારા આ પાર્કની વિશેષતા તેની ‘યોગિક ચક્ર’ થીમ છે. અહીં ભારતીય યોગશાસ્ત્રના સાત ચક્રોના રંગો મુજબ વોકિંગ ટ્રેક તૈયાર કરાશે. પ્રદૂષણ ઘટાડવા માટે અહીં ખાસ “C-4” કેટેગરીના વૃક્ષો વાવવામાં આવશે, જે વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ શોષીને ઓક્સિજન મુક્ત કરે છે. આ પાર્કમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ડ્રીપ ઈરીગેશન અને એલઈડી લાઈટ્સ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે આધુનિક આઈટીઆઈ (ITI) ભવન
યુવાનોના કૌશલ્ય વર્ધન માટે ગુલાબનગર ખાતે રૂ. ૯૮૧ લાખના ખર્ચે નવી આઈટીઆઈ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. આ નવા ભવનમાં ૯ ક્લાસરૂમ, ૧૪ વર્કશોપ, આઈટી લેબ અને લાઈબ્રેરી જેવી સગવડો હશે. ભવિષ્યમાં અહીં સોલાર ટેકનિશિયન અને ઇલેક્ટ્રિશિયન જેવા નવા ટ્રેડ શરૂ કરવાનું આયોજન છે, જેનાથી અંદાજે ૩૫૦થી વધુ તાલીમાર્થીઓને રોજગારીલક્ષી શિક્ષણ મળશે. આ સિવાય સાધના કોલોનીમાં જર્જરિત થયેલા ૩૭૨ મકાનોના પુનઃ નિર્માણની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, જે મધ્યમ વર્ગના પરિવારો માટે સુરક્ષિત આવાસ સુનિશ્ચિત કરશે.

