સામાન્ય બિમારીઓથી લઈને તબીબી તપાસ સુધીની સુવિધા સાથે ઘોઘામાં આરોગ્ય રથ સેવા કાર્યરત
ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને સુખાકારીને પ્રાધાન્ય આપીને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઉમદા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો મુખ્ય હેતુ એવા શ્રમિકો સુધી પહોંચવાનો છે જેઓ અંતરિયાળ વિસ્તારોમાં રહે છે અને હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવે છે. હવે આ વિશેષ રથ દ્વારા શ્રમિકોને તેમના ઘરઆંગણે જ પ્રાથમિક તબીબી સારવાર મળી રહેશે, જેથી તેમનો સમય અને નાણાં બંનેની બચત થશે. રાજ્ય સરકારની આ પહેલ શ્રમિક વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
સામાન્ય બીમારીઓનું નિદાન અને સ્થળ પર જ તપાસની સુવિધા
‘ધન્વંતરી આરોગ્ય રથ’ માત્ર એક વાહન નથી, પરંતુ ચાલતી-ફરતી હોસ્પિટલ છે. આ રથ દ્વારા શ્રમિકોને શરદી, તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા અને સાંધાના દુખાવા જેવી સામાન્ય તકલીફો માટે ત્વરિત નિદાન અને સારવાર આપવામાં આવશે. રથમાં ઉપલબ્ધ તબીબી સાધનોની મદદથી જરૂરી તપાસો કરીને તેના અહેવાલ પણ સ્થળ પર જ તૈયાર કરી આપવામાં આવશે. આ સુવિધાને કારણે સામાન્ય બીમારીઓ વકરે નહીં અને શ્રમિકો વહેલી તકે સ્વસ્થ થઈને પોતાની રોજગારી પર પરત ફરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારી આરોગ્ય યોજનાઓનું માર્ગદર્શન અને નોંધણી
તબીબી સારવારની સાથે-સાથે આ રથ એક માહિતી કેન્દ્ર તરીકે પણ ભૂમિકા ભજવશે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ, જેવી કે પીએમ-જય (PM-JAY) કાર્ડ અને શ્રમિક કલ્યાણની યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહીં, પાત્રતા ધરાવતા શ્રમિકોની યોજના અંતર્ગત નોંધણી કરવાની સુવિધા પણ આ રથ પર ઉપલબ્ધ રહેશે. આ પ્રયાસથી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો વધુ સુલભ અને પારદર્શક રીતે પહોંચી શકશે.
કાર્યક્ષમ તબીબી ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સેવાયજ્ઞ
આ સેવાની સફળતા પાછળ એક સમર્પિત તબીબી ટીમ કાર્યરત છે. તબીબી અધિકારી ડૉ. મનીષાબેન ભાલિયાના નેતૃત્વમાં પ્રિયંકાબેન બારૈયા, તેજલબેન રાવત અને શીતલબેન નિનામા જેવા આરોગ્ય કર્મીઓ ગામડે-ગામડે જઈને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. રથચાલક અજયસિંહ જાડેજાના સહયોગથી આ રથ ઘોઘા તાલુકાના ખૂણે-ખૂણે પહોંચી રહ્યો છે. આ રથ સેવાથી ગ્રામ્ય સ્તરે આરોગ્યનું માળખું વધુ મજબૂત બન્યું છે અને શ્રમિકોમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ પણ વધી છે.
