વિયાન મુલ્ડરનો ગગનચુંબી છગ્ગો: સ્ટેડિયમ પાર કરી બોલ સીધો રોડ પર જઈ પડ્યો, જુઓ આક્રમક શોટનો VIDEO
ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટી20 સીરીઝની બીજી મેચમાં એક અદભૂત નજારો જોવા મળ્યો હતો. હેમિલ્ટનના મેદાન પર રમાયેલી આ મેચમાં ભલે આફ્રિકાની ટીમ હારી ગઈ હોય, પરંતુ તેમના ઓપનિંગ બેટ્સમેન વિયાન મુલ્ડરનો એક શાનદાર છગ્ગો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મુલ્ડરે એવો પાવરફુલ શોટ માર્યો કે બોલ સ્ટેડિયમની છત ઓળંગીને સીધો બહાર રસ્તા પર જઈને પડ્યો હતો.
100 મીટર લાંબો છગ્ગો જોઈ સ્ટેડિયમમાં સૌ કોઈ દંગ રહી ગયા
ન્યૂઝીલેન્ડના 176 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ધીમી રહી હતી. પ્રથમ બે ઓવરમાં ટીમ માત્ર 5 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ત્રીજી ઓવરમાં વિયાન મુલ્ડરે આક્રમક વલણ અપનાવ્યું હતું. કાઈલ જેમિસનની ઓવરના બીજા બોલ પર મુલ્ડરે ક્રીઝની બહાર નીકળીને મિડ-વિકેટ તરફ શાનદાર પુલ શોટ રમ્યો હતો. આ બોલ આશરે 100 મીટર દૂર જઈને સ્ટેડિયમની બહાર રોડ પર પડ્યો હતો. આ આક્રમક સિક્સર જોઈને મેદાન પર હાજર ખેલાડીઓ અને પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આફ્રિકાનો બેટિંગ ઓર્ડર પત્તાની જેમ વિખેરાયો
જોકે, આ શાનદાર છગ્ગા બાદ આફ્રિકન ટીમની બેટિંગમાં કોઈ ખાસ દમ જોવા મળ્યો નહોતો. 177 રનના ટાર્ગેટ સામે આખી ટીમ માત્ર 15.3 ઓવરમાં 107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી જ્યોર્જ લિન્ડેએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા, જ્યારે 6 બેટ્સમેનો તો ડબલ ડિજિટના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડ તરફથી લૉકી ફર્ગ્યુસન અને બેન સિઅર્સે ઘાતક બોલિંગ કરતા 3-3 વિકેટો ઝડપી હતી.
Wiaan Mulder goes beyond the stadium, straight into the Hamilton streets 🥵#SonySportsNetwork #NZvSA pic.twitter.com/3pEZWg4IEJ
— Sony Sports Network (@SonySportsNetwk) March 17, 2026
સીરીઝમાં હવે શું સ્થિતિ છે?
ન્યૂઝીલેન્ડે આ મેચ 68 રનથી જીતીને સીરીઝમાં વાપસી કરી છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ ટી20 સીરીઝની પ્રથમ મેચ આફ્રિકાએ જીતી હતી, પરંતુ બીજી મેચમાં કીવી ટીમે વળતો પ્રહાર કર્યો છે. હવે આ સીરીઝની ત્રીજી મહત્વની મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાશે, જેના પર સૌની નજર ટકેલી છે.
