મિયામી ઓપનમાંથી ખસી ગયા બાદ નોવાક જોકોવિચના રેન્કિંગમાં કડાકો, હવે ફેન્સની નજર આગામી ટાર્ગેટ પર
ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી અને 24 વખત we ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક જોકોવિચ માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. જમણા ખભાની ઈજાને કારણે જોકોવિચે મિયામી ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ટુર્નામેન્ટમાં છ વખત ચેમ્પિયન રહી ચૂકેલા જોકોવિચે ‘સનશાઈન ડબલ’ના બીજા તબક્કામાંથી હટી જવાનો મોટો નિર્ણય લીધો છે. તાજેતરમાં ઇન્ડિયન વેલ્સમાં પણ તેમને જેક ડ્રેપર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોપ-3 માંથી બહાર ફેંકાશે જોકોવિચ
જોકોવિચના આ નિર્ણયની સીધી અસર તેમના એટીપી (ATP) રેન્કિંગ પર જોવા મળશે. તે લગભગ નક્કી છે કે જોકોવિચ હવે વિશ્વના ટોપ-3 ખેલાડીઓમાંથી બહાર થઈ જશે. એલેક્ઝાન્ડર ઝ્વેરેવ તેમને પાછળ છોડી દેશે અને જોકોવિચ ચોથા નંબર પર સરકી જશે. જો મિયામી ઓપનના પરિણામો અન્ય ખેલાડીઓની તરફેણમાં રહેશે, તો તેમનું રેન્કિંગ હજુ પણ નીચે જઈ શકે છે. આ સીઝનમાં અત્યાર સુધી તેમનો જીત-હારનો રેકોર્ડ 7-2 રહ્યો છે.
હવે આગળનો પ્લાન શું છે?
મિયામી ઓપનમાંથી બહાર થયા બાદ હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે જોકોવિચ હવે ક્યાં રમશે? હાલની વિગતો મુજબ:
મોન્ટે કાર્લો માસ્ટર્સ: જોકોવિચનું નામ મુંટે કાર્લો માસ્ટર્સની એન્ટ્રી લિસ્ટમાં સામેલ છે. આ ટુર્નામેન્ટ ક્લે-કોર્ટ સીઝનની શરૂઆત માનવામાં આવે છે.
ક્લે-કોર્ટ પડકાર: છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટુર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેઓ માત્ર એક જ વાર સેમીફાઈનલ સુધી પહોંચી શક્યા છે. જોકોવિચ હવે તેમના શેડ્યૂલને ખૂબ જ સાવચેતીપૂર્વક મેનેજ કરી રહ્યા છે જેથી ગ્રાન્ડ સ્લેમ પર વધુ ધ્યાન આપી શકાય.
25માં ગ્રાન્ડ સ્લેમ પર નજર
જોકોવિચની મુખ્ય વ્યૂહરચના હવે ફ્રેન્ચ ઓપન (રોલેન્ડ ગેરોસ) માટે તૈયારી કરવાની છે. તેઓ પોતાનો જ રેકોર્ડ તોડીને 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા માટે ઉત્સુક છે. જોકે, આંકડા દર્શાવે છે કે ક્લે-કોર્ટ પર તેમનો દબદબો પહેલા જેવો રહ્યો નથી. 2023માં ખિતાબ જીત્યા બાદ, તેઓ 2024માં ક્વાર્ટર ફાઇનલમાં અને 2025માં સેમીફાઇનલમાં હારીને બહાર થઈ ગયા હતા.
નોવાક જોકોવિચ માટે આ સીઝન તેમની કારકિર્દીની સૌથી મોટી કસોટી સાબિત થઈ શકે છે. વધતી ઉંમર અને ઈજાઓ વચ્ચે તેઓ કેવી રીતે વાપસી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

