બાબર આઝમ અનફિટ હોવા છતાં કેવી રીતે રમ્યા T20 વર્લ્ડ કપ? પાકિસ્તાની ક્રિકેટમાં નવા રિપોર્ટથી ખળભળાટ!

3 Min Read

બાબર આઝમ T20 વર્લ્ડ કપ માટે ફિટ નહોતા છતાં કેવી રીતે મળ્યો મોકો? મેડિકલ રિપોર્ટ આવતા પાકિસ્તાની ક્રિકેટમાં ખળભળાટ

પાકિસ્તાની ક્રિકેટ હાલમાં કોઈ કોમેડી સર્કસ જેવી સ્થિતિમાં મુકાયું છે, જ્યાં પસંદગીકારોને એ જ ખબર નથી હોતી કે જે ખેલાડીને તેઓ ટીમમાં પસંદ કરી રહ્યા છે તે મેદાન પર રમવા માટે શારીરિક રીતે સક્ષમ છે કે નહીં. T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ હવે કેપ્ટન બાબર આઝમ અને ફખર ઝમાનની ફિટનેસને લઈને સનસનાટીભર્યો ખુલાસો થયો છે, જેનાથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB) માં નવો વિવાદ ઉભો થયો છે.

 babar.jpg

- Advertisement -

બાબરની ઈજા ધારણા કરતા વધુ ગંભીર હતી

તાજેતરમાં પસંદગી સમિતિના સભ્ય આકિબ જાવેદે મીડિયા સમક્ષ બાબર અને ફખરની ફિટનેસ પર સવાલો ઉઠાવ્યા હતા અને તપાસની માંગ કરી હતી. આ મામલે PCB એ તપાસના આદેશ આપ્યા બાદ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, યુકેના સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી નિષ્ણાત ડો. જાવેદ મુઘલે તપાસમાં જણાવ્યું છે કે વર્લ્ડ કપ દરમિયાન આ બંને ખેલાડીઓ સંપૂર્ણ ફિટ નહોતા. ખાસ કરીને બાબર આઝમને હેમસ્ટ્રિંગની ગંભીર સમસ્યા હતી, જેને તે સમયે નજરઅંદાજ કરવામાં આવી હતી. વર્લ્ડ કપથી પરત ફર્યા બાદ જ્યારે બાબરે આ જ ઈજાના કારણે રમવાની ના પાડી ત્યારે આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ફિટનેસ વગર કેવી રીતે મળી એન્ટ્રી? ફિઝિયો પર ઉઠ્યા સવાલ

સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જો આ ખેલાડીઓ અનફિટ હતા, તો તેમને ટીમમાં સ્થાન કેવી રીતે મળ્યું? સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ક્લિફ ડીકન પર આક્ષેપો થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીકનના ખેલાડીઓ સાથે ખૂબ જ ગાઢ સંબંધો છે, જેના કારણે તેઓ ઘણીવાર ગંભીર ઈજા હોવા છતાં ખેલાડીઓને ‘ફિટનેસ સર્ટિફિકેટ’ આપી દેતા હોય છે. પસંદગી સમિતિએ પણ મેડિકલ પેનલને જણાવ્યું છે કે તેઓએ ક્લિફ ડીકનના ક્લિયરન્સના આધારે જ બાબર અને ફખરની પસંદગી કરી હતી.

- Advertisement -

babar1.jpg

પાકિસ્તાની ક્રિકેટમાં આંતરિક ખેંચતાણ

આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટમાં જૂથબંધી અને ભ્રષ્ટાચારના આક્ષેપો તેજ બન્યા છે. એક તરફ ટીમ હારી રહી છે અને બીજી તરફ ફિટનેસ સાથે થયેલા આ ચેડાંએ ચાહકોમાં ભારે રોષ જગાડ્યો છે. આ ઘટના બાદ હવે PCB ક્લિફ ડીકન અને મેડિકલ સ્ટાફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું. નિષ્ણાતોનું માનવું છે કે જો અર્ધ-ફિટ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળતું રહેશે, તો પાકિસ્તાની ક્રિકેટનું પતન નિશ્ચિત છે.

Share This Article