PSL 2026: બાંગ્લાદેશી ખેલાડીઓના રમવા પર લટકતી તલવાર, NOC મળ્યા બાદ પણ આ મોટા કારણે મામલો અટક્યો
પાકિસ્તાન સુપર લીગ (PSL) ની 11મી સીઝન શરૂ થાય તે પહેલા જ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 26 માર્ચથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશના કેટલાક સ્ટાર ખેલાડીઓ ભાગ લેવાના હતા, પરંતુ હવે તેમના પાકિસ્તાન જવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ખેલાડીઓને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપી દીધું છે, તેમ છતાં સરકારની મંજૂરી વિના તેઓ મેદાનમાં ઉતરી શકશે નહીં.
સરકારની મંજૂરી પર અટક્યો છેલ્લો નિર્ણય
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવની અસર હવે રમતજગત પર પણ જોવા મળી રહી છે. આ પ્રાદેશિક અસ્થિરતાને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પહેલેથી જ તેના ખેલાડીઓને પાકિસ્તાન ન જવાની સલાહ આપી છે. હવે બાંગ્લાદેશ સરકારે પણ સુરક્ષાના કારણોસર ખેલાડીઓના પ્રવાસ પર કડક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન એમોન, શોરીફુલ ઈસ્લામ, નાહિદ રાણા, તંજીદ હસન તમીમ અને રિશાદ હુસૈન જેવા 6 ખેલાડીઓને રમવા માટે પરવાનગી આપી હતી, પરંતુ હવે અંતિમ નિર્ણય સરકારના હાથમાં છે.
BCB ના ચેરમેનનું નિવેદન: ‘સ્થિતિ સામાન્ય નથી’
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સના ચેરમેન નજમુલ આબેદીને ‘ક્રિકબઝ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે અમારા ક્રિકેટરોને PSL માટે મોકલતા પહેલા સરકારની પરવાનગી ચોક્કસપણે લઈશું. સામાન્ય સંજોગોમાં આ પ્રકારની પ્રક્રિયાની જરૂર હોતી નથી, અમે NOC આપીએ છીએ અને ખેલાડીઓ રમીને પરત આવે છે. પરંતુ હાલની સ્થિતિ સામાન્ય નથી. અમે ખેલાડીઓની સુરક્ષા બાબતે કોઈ જોખમ લેવા માંગતા નથી, તેથી સરકાર સાથે ચર્ચા કરવી અનિવાર્ય છે.”
પાકિસ્તાન સુપર લીગ માટે વધતી મુશ્કેલીઓ
નજમુલ આબેદીને વધુમાં ઉમેર્યું હતું કે બોર્ડે હવે સંપૂર્ણ નિર્ણય સરકાર પર છોડી દીધો છે. સરકાર જે આદેશ આપશે તેનું પાલન કરવામાં આવશે. નોંધનીય છે કે PSL ની 11મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અનેક વિદેશી ખેલાડીઓએ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન જવાની મનાઈ કરી દીધી છે અથવા પોતાના નામ પરત ખેંચી લીધા છે. જો બાંગ્લાદેશી ખેલાડીઓ પણ આ લીગમાંથી બહાર ફેંકાશે, તો PSL ના આયોજકો માટે આ એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.

