આધુનિક ખેતી પદ્ધતિથી ખેડૂતની કિસ્મત બદલાઈ, સુરેન્દ્રનગરના પ્રકાશભાઈએ ઊભું કર્યું સફળતાનું મોડેલ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે જો ખેતી કરવાની પદ્ધતિ બદલવામાં આવે, તો નસીબ ચોક્કસ બદલાઈ શકે છે. વર્ષો સુધી કપાસ અને ધાણા-ચણા જેવા પરંપરાગત પાકોમાં મર્યાદિત આવક મેળવતા પ્રકાશભાઈએ આધુનિક અભિગમ અપનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. આજે તેઓ પોતાની ૪૫ વીઘા જમીનમાં તરબૂચ અને ૩૦ વીઘામાં ટેટીનું સફળ વાવેતર કરીને લાખોની કમાણી કરી રહ્યા છે, જે અન્ય ખેડૂતો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
આંતરપાક પદ્ધતિ અને જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ
પ્રકાશભાઈની સફળતા પાછળ તેમની ગજબની કોઠાસૂઝ અને આયોજન રહેલું છે. તેમણે ૩૫ વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે, પરંતુ દાડમનો પાક તૈયાર થવામાં સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન જમીન ખાલી રાખવાને બદલે તેમણે આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. આ પદ્ધતિથી જમીનનો એક પણ ઇંચ ભાગ વ્યર્થ જતો નથી અને મુખ્ય પાક તૈયાર થાય તે પહેલાં જ ટૂંકા ગાળાના પાકો દ્વારા તેમને મોટી રોકડી આવક મળવા લાગે છે. આ ઉપરાંત તેઓ શાકભાજીનું વાવેતર કરીને ખેતીમાં વિવિધતા પણ લાવી રહ્યા છે.
આધુનિક ટેકનોલોજી અને સરકારી યોજનાઓનો સમન્વય
બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ પ્રકાશભાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તેઓ ખેતીમાં ગુણવત્તા જાળવવા માટે મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેનાથી પાણીની બચત થાય છે અને પાક રોગ-જીવાતથી સુરક્ષિત રહે છે. રાજ્ય સરકાર તરફથી મળતી સબસિડીએ તેમનો આર્થિક બોજ હળવો કર્યો છે. તેમની ખેતપેદાશોની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ હોય છે કે વેપારીઓ સીધા ખેતર પર આવીને જ માલ ખરીદે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે છે અને વચેટિયાઓ વિના સીધું વેચાણ શક્ય બને છે.
ઝાલાવાડ પંથકમાં કૃષિ સમૃદ્ધિનો નવો પ્રકાશ
પ્રકાશભાઈની સફળતા જોઈને હવે આસપાસના અન્ય ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા છે. ગામના ખેડૂત કમલેશભાઈ અને રાજેન્દ્રભાઈ જણાવે છે કે પ્રકાશભાઈના માર્ગદર્શન હેઠળ ટેટી-તરબૂચના વાવેતરથી તેમને વીઘે રૂ. ૫૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધીની માતબર આવક થઈ રહી છે. પ્રકાશભાઈ પોતે અન્ય ખેડૂતોની વાડીએ જઈને વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવાડે છે. આમ, નવલગઢનો આ ‘પ્રકાશ’ આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિનો દીવો પ્રગટાવી રહ્યો છે, જે સાબિત કરે છે કે ‘સ્માર્ટ ફાર્મિંગ’ એ જ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
