વાંસ કૌશલ્યથી લઈને ઇકો-ટૂરિઝમ સુધી, છોટાઉદેપુરના જંગલો સ્થાનિક રોજગારી અને વિકાસના એન્જિન
૨૧ માર્ચ, ‘વિશ્વ વન દિવસ’ નિમિત્તે આ વર્ષની થીમ “જંગલો અને અર્થતંત્ર” વનોના મહત્વને વિશેષ રીતે રેખાંકિત કરે છે. જળ, જમીન અને જંગલ એ આદિવાસી સમુદાય માટે માત્ર સંસાધનો નથી, પરંતુ આરાધ્ય દેવ સમાન છે. જંગલો પર્યાવરણીય સંતુલન જાળવવાની સાથે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ પણ છે. છોટાઉદેપુર જિલ્લાનો અંદાજે ૭૧,૮૭૯ હેક્ટરમાં પથરાયેલો ડુંગરાળ વન વિસ્તાર સાગ, સીસમ અને મહુડા જેવા આર્થિક મૂલ્ય ધરાવતા વૃક્ષો તેમજ અમૂલ્ય ઔષધિઓનો ભંડાર છે, જે ભારતના સર્વાંગી વિકાસમાં ‘ગ્રીન એન્જિન’ની ભૂમિકા ભજવી રહ્યો છે.
વાંસ કૌશલ્ય અને ઇકો-ટૂરિઝમ દ્વારા આજીવિકાનું સર્જન
જંગલના ‘લીલા સોના’ સમાન વાંસના કૌશલ્યને નિખારવા માટે વન વિભાગે કેવડી ખાતે ‘વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્ર’ કાર્યરત કર્યું છે. અહીં ૧૪૧થી વધુ તાલીમાર્થીઓ વાંસમાંથી આધુનિક અને પરંપરાગત ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે. બીજી તરફ, કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં પ્રવાસીઓને આદિવાસી સંસ્કૃતિના સ્વાદિષ્ટ ભોજન—જેમ કે દાલ-પાનિયા અને મકાઈના રોટલા—સાથે જંગલની હરિયાળી માણવાની તક મળે છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો વધારો થયો છે.
વન મંડળીઓ અને વન ધન યોજનાથી શ્રમિકોનું આર્થિક ઉત્થાન
સ્થાનિક સમુદાયના આર્થિક વિકાસ માટે ‘સહભાગી વન વિકાસ મંડળીઓ’ વટવૃક્ષ બની ચૂકી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં માત્ર ૫ મંડળીઓએ ચારોળીના વેચાણ દ્વારા લાખોની આવક મેળવી છે, જ્યારે ૩૫ મંડળીઓએ સીતાફળના એકત્રીકરણ થકી ૩૪ લાખથી વધુની કમાણી કરી છે. પ્રધાનમંત્રી વન ધન યોજના અંતર્ગત ૨૦ વિકાસ કેન્દ્રોના ૬૦૦૦ સભ્યો મધ, ગુંદર અને મહુડા જેવી ગૌણ વન પેદાશોના વેચાણથી સમૃદ્ધ થઈ રહ્યા છે. આ પહેલ સાબિત કરે છે કે જો જંગલોનું જતન કરવામાં આવે, તો તે ખેતીની સાથે આવકનો શ્રેષ્ઠ પૂરક સ્ત્રોત બની શકે છે.
ગ્લોબલ વોર્મિંગ સામે લડત અને વિકસિત ભારતનો સંકલ્પ
જંગલો માત્ર લાકડું જ નથી આપતા, પરંતુ કાર્બન સંગ્રહ કરીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં પાયાની ભૂમિકા ભજવે છે. ભારતનું વન ક્ષેત્ર અંદાજે ૭,૨૦૪ મિલિયન ટન કાર્બન સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. ‘ગ્રીન ઇન્ડિયા મિશન’ અને ‘કેમ્પા’ ફંડ દ્વારા ૩૩ ટકા વનાચ્છાદિત વિસ્તારના લક્ષ્યને આંબવા સઘન પ્રયાસો થઈ રહ્યા છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે પર્યાવરણ અને અર્થતંત્ર વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે. આવો, આપણે આ હરિયાળી વિરાસતને સાચવીને આવનારી પેઢીને સમૃદ્ધ પર્યાવરણ ભેટ આપીએ.

