નર્મદા પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન, સુરક્ષા અને સુવિધાઓની કડક સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ પણ અને વિરાસત પણ’ના મંત્રને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા ધાર્મિક પરંપરાઓના જતન સાથે આધુનિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે ૧૯ માર્ચથી શરૂ થયેલી ૩૦-દિવસીય ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’માં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જયરામભાઇ ગામીતના માર્ગદર્શન હેઠળ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાની સમીક્ષા કરવા માટે બોર્ડના સચિવ રમેશ મેરજાએ રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
રામપુરા ઘાટ પર સુરક્ષા અને પાયાની સવલતોની સમીક્ષા
પરિક્રમાના મહત્વના ગણાતા રામપુરા ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ માટે જેટી અને બોટિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સચિવશ્રીએ મુલાકાત દરમિયાન લાઈફ જેકેટના ફરજિયાત ઉપયોગ અને સલામતીના નિયમોના ચુસ્ત પાલન પર ભાર મૂક્યો હતો. ઘાટ પર પીવાનું શુદ્ધ પાણી, સ્નાન માટેની વ્યવસ્થા, મહિલાઓ માટે અલાયદા ચેન્જિંગ રૂમ અને રાત્રિ દરમિયાન પૂરતી લાઈટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવીને કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ નિર્ભય બની ભક્તિ કરી શકે.
શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ અને સેવાકીય પ્રવૃત્તિઓ
પરિક્રમાના રૂટ પર પદયાત્રા દરમિયાન સચિવ રમેશ મેરજાએ શ્રદ્ધાળુઓ સાથે સીધો સંવાદ સાધીને સરકારી સુવિધાઓ અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. તેમણે મિશન મંગલમની બહેનો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મા નર્મદાની આરતી અને દર્શનનો લાભ લેવાની સાથે તેમણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ભોજન અને વિશ્રામની વ્યવસ્થાઓની પણ પ્રશંસા કરી હતી. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ સુઆયોજિત પાર્કિંગ અને વિશ્રામ સ્થળોને કારણે યાત્રિકોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બની છે.
માળખાકીય સુવિધાઓ અને આધ્યાત્મિક પ્રવાસનું આયોજન
યાત્રાળુઓના આરામ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં ખાટલા, ગાદલા અને ઓશીકા સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. કોઈપણ કટોકટીના સમયે ત્વરિત સારવાર મળી રહે તે માટે ૨૪ કલાક એમ્બ્યુલન્સ અને મેડિકલ યુનિટ તૈનાત કરવામાં આવ્યા છે. સામાન રાખવા માટે ક્લોક રૂમ અને સમગ્ર રૂટ પર સઘન સફાઈ અભિયાન ચલાવીને સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. સરકારની આ તડામાર તૈયારીઓ અને સતત દેખરેખના પરિણામે લાખો ભક્તો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પોતાની આ આસ્થાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.

