ભારતીય રાજનીતિમાં પીએમ મોદીનો નવો સૂર્યોદય: સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેવાનો રેકોર્ડ
ભારતીય રાજનીતિમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પાછળ છોડીને દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા (Head of Government) તરીકે સેવા આપવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ સાથે મોદી હવે ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં સૌથી લાંબો વહીવટી કાર્યકાળ ધરાવતા નેતા બની ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ પૂર્ણ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આ કાર્યકાળમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દિવસો અને દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તેમની આ સફર 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થઈ હતી, જે આજે 2026માં વડાપ્રધાન તરીકેના તેમના ત્રીજા કાર્યકાળ સાથે એક નવા શિખરે પહોંચી છે. અગાઉ આ રેકોર્ડ પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે 8,930 દિવસ સુધી પદ સંભાળ્યું હતું.
શા માટે ખાસ છે પીએમ મોદીની આ સિદ્ધિ?
પીએમ મોદીની આ ઉપલબ્ધિ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ તે તેમના વહીવટી કૌશલ્ય અને જનતાના અતૂટ વિશ્વાસનું પ્રમાણ છે. આ રેકોર્ડની સાથે તેમના નામે બીજી પણ ઘણી સિદ્ધિઓ જોડાયેલી છે:
- બહોળો અનુભવ: મોદી દેશના પ્રથમ એવા વડાપ્રધાન છે જેમની પાસે મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુનો લાંબો જમીની અનુભવ છે.
- નવા ભારતનું પ્રતિનિધિત્વ: તેઓ સ્વતંત્રતા પછી જન્મેલા દેશના પ્રથમ વડાપ્રધાન છે, જેઓ સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યા છે.
- ચૂંટણીમાં વિજયી હેટ્રિક: વર્ષ 2014, 2019 અને 2024માં સતત ત્રણ લોકસભા ચૂંટણી જીતીને તેમણે પોતાની લોકપ્રિયતા અને નેતૃત્વ પર મહોર લગાવી છે.
- ગુજરાતનો વારસો: તેઓ ગુજરાતના ઈતિહાસમાં પણ સૌથી લાંબો સમય સેવા આપનારા મુખ્યમંત્રી રહ્યા છે.
Today marks a historic milestone in Indian politics.
Prime Minister Narendra Modi has surpassed former Sikkim Chief Minister Pawan Kumar Chamling to become the longest-serving head of a government in India.
Pawan Kumar Chamling served as CM for 8,930 days.
PM Modi has now… pic.twitter.com/Oj5ZHNCMaC
— Amit Malviya (@amitmalviya) March 22, 2026
ચામલિંગ અને મોદી: એક તુલનાત્મક દ્રષ્ટિકોણ
જો આપણે આ રેકોર્ડની તુલના કરીએ તો પવન કુમાર ચામલિંગે સિક્કિમ જેવા એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતાનો આખો રેકોર્ડ બનાવ્યો હતો. તેની સામે પીએમ મોદીએ રાજ્ય અને કેન્દ્ર એમ બંને સ્તરે પૂર્ણ બહુમતી ધરાવતી સરકારો ચલાવીને આ મુકામ હાંસલ કર્યો છે. મોદીના આ રેકોર્ડમાં 12 વર્ષથી વધુનો સમય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને બાકીનો કાર્યકાળ દેશના વડાપ્રધાન તરીકે સામેલ છે.
આમ, એક પ્રાદેશિક નેતાથી લઈને વૈશ્વિક નેતા સુધીની તેમની આ સફર ભારતીય લોકશાહીની મજબૂતી અને સ્થિર શાસનનું પ્રતીક બની રહી છે.
