અકસ્માતો ઘટાડવા જાગૃતિ અભિયાન, 1000થી વધુ હેલ્મેટ આપી સુરત પોલીસની અનોખી પહેલ
સુરત શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ, ટ્રુહોમ ફાઈનાન્સ કંપની અને એલિક્ઝિર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને સુરક્ષા કવચ પૂરું પાડીને માર્ગ અકસ્માત દરમિયાન થતી ગંભીર ઇજાઓથી બચાવવાનો છે.
સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને ૧૦૦૦થી વધુ હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ
આ વર્ષે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ૧૦૦૦થી વધુ કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંયુક્ત પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર અને નાયબ પોલીસ કમિશનર પન્ના મોમૈયા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સફાઈકર્મીઓ, એક્સ-રે ટેક્નિશિયન, નર્સિંગ સ્ટાફ અને ડેટા ઓપરેટર જેવા પાયાના કર્મચારીઓને સુરક્ષા હેલ્મેટ આપવામાં આવ્યા હતા. ગત વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા આ રીતે જ ૧૦૦૦ હેલ્મેટ વહેંચીને સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
હેલ્મેટના ઉપયોગથી માથાની ગંભીર ઇજાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે માથામાં થતી ઈજા ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. સુરત શહેરમાં પોલીસના સતત જાગૃતિ કાર્યક્રમોને કારણે લોકોમાં હેલ્મેટ પ્રત્યે સ્વીકૃતિ વધી છે. આંકડાકીય રીતે જોઈએ તો છેલ્લા એક વર્ષમાં માથાની ગંભીર ઇજાના ઇમરજન્સી કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. હેલ્મેટ એ માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ તે અમૂલ્ય માનવ જીવનની સલામતી માટેનું અનિવાર્ય રક્ષાકવચ છે, જે દરેક દ્વિચક્રી વાહનચાલકે પહેરવું જોઈએ.
સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બનશે સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ
સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દરરોજ અનેક ગંભીર અકસ્માતોના કિસ્સાઓ રૂબરૂ જોતા હોય છે, તેથી તેઓ સુરક્ષાનું મહત્વ અન્ય કરતા વધુ સારી રીતે સમજે છે. જ્યારે હોસ્પિટલનો સ્ટાફ પોતે હેલ્મેટ પહેરીને રસ્તા પર નીકળશે, ત્યારે તે સામાન્ય જનતા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ વિતરણ કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને સુરક્ષિત સુરત બનાવવાનો સંકલ્પ લીધો હતો.

